વિજય રૂપાણીએ રાજકોટમાં ધસી પડેલા એ સ્લેબની જમીન ફાળવવાનો ઠરાવ કર્યો હતો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
વિજય રૂપાણીએ રાજકોટમાં ધસી પડેલા એ સ્લેબની જમીન ફાળવવાનો ઠરાવ કર્યો હતો 1 - image


રાજકોટ મનપામાં ઈ.સ. 1990માં સ્થાયી સમિતિ ચેરમેન તરીકે   : દુર્ઘટના સર્જાઈ તે સ્લેબનો એક ભાગ કોલમને બદલે દિવાલ ઉપર હતો!  રાજકોટ મનપાની પણ જવાબદારી થતી હોઈ તટસ્થ તપાસ કરાતી નથી

રાજકોટ, : રાજકોટમાં યાજ્ઞિાકરોડ ઉપર સર્વેશ્વર ચોકમાં ગણપતિ પંડાલ પાસે લોકોની ચિક્કાર ભીડ વખતે ગત રવિવારે રાત્રે વોકળા ઉપરનો સ્લેબ કે જે માર્જીન તરીકે વપરાતો હતો તે આખો સ્લેબ ધસી પડતા લોકો વોકળામાં ખાબકતાં  35ને ઈજા અને બાદમાં એકનું મૃત્યુ નીપજ્યું હતું. આ સ્લેબ ઉપરાંત કોમ્પલેક્સ પણ વોકળા ઉપર ખડકાયેલું છે જે ભયગ્રસ્ત જણાતા મનપાએ તેનો વપરાશ બંધ કરાવ્યો છે ત્યારે તપાસ કરતા આ મનપાની વોકળા પૈકીની પાણીના વહેણની જમીન ઉપર કોમ્પલેક્સ ખડકવા મે- 1990માં તત્કાલીન સ્થાયી સમિતિના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંજુરી આપી હોવાનું અને સ્ટેન્ડીંગ કમિટિમાં તે દરખાસ્ત સર્વાનુમતે મંજુર થયાનું જાણવા મળ્યું છે. 

આ જમીન શિવ ડેવલપર્સને વૈકલ્પિક જમીન તરીકે અપાઈ હતી.  પ્રાપ્ત વિગત મૂજબ તે વખતે કાલાવડ રોડ વગેરેનો વિકાસ ન્હોતો તે સમયે શહેરના સૌથી ક્રીમ એરિયા ગણાતા યાજ્ઞિાકરોડ ઉપર જાગનાથ પ્લોટ શેરી નં. 21ને જોડતા માર્ગ પર શિવ બિલ્ડર્સની 118.55  ચો.મી.જમીન આવેલી હતી. આ જમીનને યાજ્ઞિાક રોડને જોડતો રસ્તો સીધમાં આવે તે માટે સંપાદન કરવાનું નક્કી કરીને તેના બદલામાં અન્યત્ર ખુલ્લી જમીન આપવાને બદલે વોકળા ઉપરની યાજ્ઞિાકરોડ ઉપરની 110.47 ચો.મી.જમીન શિવ ડેવલપર્સને આપવાનો ઠરાવ કરાયો હતો અને તેમાં ભાજપના શાસકોની એક દલીલ એવી હતી કે આનાથી ત્યાં કોર્પો.નો પ્લોટ આવેલો છે તેની કિંમત વધશે.

વોકળાની જમીન દીર્ઘદ્રષ્ટિ હોય તો ખુલ્લી જ રાખવાનું હિતાવહ હોય છે. કારણ કે શહેરની વસ્તી ત્યારે પણ વધતી હતી અને વરસાદી પાણીના નિકાલ માટે વોકળા અનિવાર્ય હતા. પરંતુ, આમ છતાં વોકળાની જમીન બિલ્ડરને આપીને ત્યાં આર.સી.સી.સ્લેબ બીમકોલમ,ફૂટીંગ સાથે કરવાની તથા કોમ્પલેક્સ બાંધવાની મંજુરી મનપા દ્વારા અપાઈ હતી. 

શિવમ કોમ્પલેક્સના કબજેદારોએ જણાવ્યા મૂજબ આ જમીન ઉપર શવમ કોમ્પલેક્સ-1 માટે 1990માં અને જરૂરી ફેરફાર સાથે નવો પ્લાન ઈ.સ. 1991માં મનપાની ટાઉન પ્લાનીંગ શાખાએ મંજુર કર્યો છે. ત્યારબાદ બિલ્ડીંગના વપરાશની પરવાનગી (બી.યુ.પી.) ઈ.સ.૧૯૯૨માં અપાયેલ છે. 

આ બાંધકામ કેવું નબળુ હતું તેનો ભાંડો હવે ફૂટયો છે.કારણ કે દુર્ઘટના સુધી તો બે વિશાળ વોકળા ભેગા થાય તે વિશાળ જમીન ઉપર સ્લેબ,બાંધકામો જ ખડકી દેવાયા છે અને લોકો તેને નક્કર જમીન માનીને જ વાપરતા રહ્યા છે. જે સ્લેબ ધસી પડયો અને ગંભીર દુર્ઘટના ઘટી તેનો ચોકમાં ઈલે.સબ સ્ટેશન તરફનો ભાગ માત્ર ઈંટની દિવાલ ઉપર  ટેકવ્યો હોવાનું જણાયું છે. જે ખરેખર બીમ-કોલમ ઉપર હોવો જોઈએ. ઉલ્લેખનીય છે કે દિવાલ ઉપરનો સ્લેબ એક સાથે ધસી પડે છે જ્યારે બીમ-કોલમ-સ્ટ્રક્ચર સારુ હોય તો તિરાડ સાથે તેની આગોતરી જાણ થાય છે. 

આ ગમખ્વાર ઘટનામાં મનપાની સીધી જવાબદારી બનતી હોય, દુર્ઘટના પણ મનપાની જમીન ઉપર બની છે ત્યારે હાલના મનપાના અધિકારીઓ થાબડભાણાંની નીતિ અપનાવી રહ્યાની શંકા જન્મી છે. આ કારણે તપાસના નામે ડિંડક થાય તો પણ કોઈની જવાબદારી ફીક્સ ન કરાય તેવા એંધાણ વર્તાય છે. 


Google NewsGoogle News