VIDEO | વરસાદે ધમરોળ્યું ગુજરાત, ક્યાંક બ્રિજ તૂટ્યો તો ક્યાંક નદી-ડેમ છલકાયાં, જનજીવન ઠપ

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
Heavy Rain In Gujarat


Gujarat Rain and Weather Updates| ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોટાભાગના જિલ્લા પાણી પાણી થઈ ગયા છે. કોઈ જગ્યાએ કોઝ વે તૂટ્યો તો કોઈ જગ્યાએ બ્રિજના છેડે સુધી પાણી આવવાની તૈયારી છે. ઘણા જિલ્લામાં નદીઓ અને ડેમ છલકાયા તો ઘણી જગ્યાએ કેડ સમા પાણી ભરાતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જિલ્લા કલેક્ટરોને તકેદારીના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. 

મુખ્યમંત્રી પહોંચ્યા સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર 

ભારે વરસાદની સ્થિતિને પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર પહોંચી ગયા છે. મુખ્ય સચિવ રાજ કુમાર, મહેસૂલ, માર્ગ અને મકાન સહિત વિભાગના અધિકારીઓની સાથે જિલ્લા કલેક્ટરો તથા પ્રભારી મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ રહી છે, જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિનું આકલન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં હવામાન વિભાગ, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ પણ હાજર હતા.


ખેડામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ 

ખેડા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. અહીં ચાર કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. નડિયાદ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વલસાડમાં જળપ્રલય જેવી સ્થિતિ 

બીજી બાજુ વલસાડમાં ગુજરાતનો સૌથી વધુ વરસાદ ખાબક્યો હતો. અહીં જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી. 24 કલાકમાં જ 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યું હતું જેનાથી લોકોને ભારે નુકસાન થયું હતું. અહીંનું કલ્યાણવાડી બેટમાં ફેરવાઈ ગયું હતું.
કાકરાપાર ડેમ ઑવરફ્લો 

સુરતમાં પણ ભારે વરસાદની સ્થિતિને પગલે કાકરાપાર ડેમ ઑવરફ્લો થઈ ગયો હતો. અહીં કેચમેન્ટ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ છતાં નિયમોના છડેચોક ધજાગરા થતાં જોવા મળ્યા હતા. લોકો ખતરાની સ્થિતિ હોવા છતાં પાણી સાથે ખેલ કરતાં દેખાયા હતા.

ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણીની આવક વધી 

ગાંધીનગર સંત સરોવરમાં પાણીની આવક વધી હતી. ઉપરવાસમાં અને ગાંધીનગરમાં વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો હતો. જેના પગલે સંત સરોવરના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.

તાપી જિલ્લામાં અંબિકા નદીનું રૌદ્ર સ્વરુપ 

બીજી બાજુ તાપી જિલ્લામાં આવેલી અંબિકા નદીનું પણ રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું હતું. અહીં નદી ખતરાના નિશાનથી ઉપર વહેવા લાગી હતી. 


Google NewsGoogle News