ડોક્ટરે ઘાયલ મહિલાનું સફાઇ કર્મી પાસે ડ્રેસિંગ કરાવ્યનો વીડિયો વાયરલ
- ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી
- ફરજમાં બેદરકારી દાખવનાર સરકારી તબિબ સહિત સામે કાર્યવાહી માંગ કરાઇ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા ખાતે આવેલ મુખ્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી છતી કરતો બનાવ બન્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં એક દર્દીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પોતે સારવાર આપવાને બદલે સફાઈ કર્મચારી પાસે ડ્રેસિંગ કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ધ્રાંગધ્રાના જોગાસર પાણીની ટાંકી પાસે રાત્રીના સમયે એક મહિલા બાઈકમાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ પર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાં દર્દીને સારવાર આપવામાં આવી નહોતી અને પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં પોતે હાજર હોવા છતાં સફાઈ કર્મચારી દ્વારા દર્દીને ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું.
ડોક્ટર હાજર હોવા છતાં અન્ય કર્મચારી દ્વારા ડ્રેસિંગ કરવામાં આવતા દર્દીના જીવનું પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં કોઈ જાનહાની થાય તો જવાબદાર કોણ ? સહિતની બાબતો અંગે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બેદરકારી દાખવનાર ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. આ સમગ્ર બનાવનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થયો છે. આ મામલે જવાબદાર તંત્ર દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે ક્યારે અને કેવા પગલા લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.