Get The App

સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ

Updated: Mar 22nd, 2025

GS TEAM


Google News
Google News
સરકારની નાક નીચે જ બાળમજૂરી! ધ્રાંગધ્રામાં બસ સ્ટેશને બાળકનો સફાઈ કરતો વીડિયો વાઈરલ 1 - image


Child labour News : દેશનું ભવિષ્ય ગણાતા બાળકોની સુરક્ષા માટે કાયદામાં ખાસ જોગવાઈ કરાઈ છે. ત્યારે બાળકો દેશનું ભવિષ્ય હોવાની સૂફીયાણી વાતો વચ્ચે ધ્રાંગધ્રા શહેરમાં બસ સ્ટેન્ડમાં નાના બાળકો પાસે બસ સ્ટેન્ડની સફાઈ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

ધ્રાંગધ્રા શહેરમાં મુખ્ય બસ સ્ટેન્ડમાં નાના બાળકો પાસે બસ સ્ટેન્ડની સફાઈ કરાવતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જો કે વાયરલ વીડિયો કેટલો જુનો છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નહોતી. વાયરલ વીડિયોમાં જણાઈ આવ્યા મુજબ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડના પટાંગણમાં એક અંદાજે 8થી 9 વર્ષનો બાળક હાથમાં ઝાડુ લઈ બસ સ્ટેન્ડની સફાઈ કરતો તેમજ કચરા પેટીમાંથી કચરાનો નિકાલ કરતો નજરે પડી રહ્યો છે. તેમજ બસ સ્ટેન્ડમાં ઉભા રહેલા મુસાફરો બીન્દાસ આ બાળકને સફાઈ કરતા મુકપ્રેક્ષક બની જોતા જણાઈ આવ્યા હતા. 

સરકાર એક તરફ બાળકોને અભ્યાસ તેમજ ઉચ્ચ શિક્ષણની વાતો અને જાહેરાતો કરે છે તેમજ બાળક મજુરી અંગેના કડક નિયમો અમલમાં મુક્યા છે છતા વાયરલ વિડિયોમાં ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં એક બાળક અભ્યાસ અને હરવા-ફરવાની ઉંમરમાં સફાઈ કરતો નજરે પડતા અનેક સવાલો ઉભા થયા છે. જ્યારે બસ સ્ટેન્ડમાં સફાઈ કરતા બાળકને રમવાની ઉંમરમાં કોણ સફાઈ કરાવી રહ્યું છે સહિતના અનેક સવાલો અંગે ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે આ અંગે ધ્રાંગધ્રા એસટી ડેપોનો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો જ્યારે જીલ્લાના મુખ્ય એસટી ડેપોના મેનેજરનો ટેલીફોનીક સંપર્ક કરતા આ પ્રકારનો વિડિયો તેમના ધ્યાને આવ્યો નથી તેમ જણાવી પોતાની જવાબદારીથી હાથ ઉંચા કર્યા હતા.


Tags :