વાઇબ્રન્ટ ઈફેક્ટ : હોટેલના ભાડાં અધધધ રૂ.1.38 લાખ સુધી પહોંચ્યા
- 9 થી 12 ડિસેમ્બરના અનેક હોટેલના રૂમ 'સોલ્ડ આઉટ'
અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
ગાંધીનગર ખાતે યોજાનારી વાયબ્રન્ટ સમિટ માટે તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. 10 થી 12જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર આવવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફાઇવ સ્ટાર, થ્રી સ્ટાર હોટેલમાં એક દિવસ માટે રૂપિયા 20 હજારથી રૂપિયા 1.50 લાખ સુધીનું ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે.
ફાઇવ સ્ટાર હોટેલના સ્યુટમાં એક દિવસનું ભાડું રૂપિયા 2.30 લાખ : હોટેલના ભાડાંમાં ચાર ગણો વધારો
વર્ષ 2019 બાદ પ્રથમવાર યોજાઇ રહેલી વાયબ્રન્ટ સમિટ માટે 72 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. સમિટના ત્રણ દિવસમાં દેશ-વિદેશમાંથી1 લાખથી વધુ લોકો ગુજરાતના અતિથિ બનશે. વાયબ્રન્ટ સમિટ માટે ગાંધીનગરમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલના તમામ રૂમ 9થી12 જાન્યુઆરી સુધી 'સોલ્ડ આઉટ' દર્શાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદની થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર હોટેલમાં 50 ટકા રૂમ સરકાર દ્વારા બૂક થઇ ગયા છે. સિંધુ ભવનમાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટેલમાં 9 થી12 જાન્યુઆરી દરમિયાન રૂપિયા1.38 લાખનું એક દિવસનું ભાડું છે. જેમાં રૂપિયા 25413નો ટેક્સ અલગથી ચૂકવવો પડે છે. આ જ હોટેલમાં સ્યૂટનું ભાડું રૂપિયા 2.30 લાખ છે.
આવી જ રીતે ગાંધીનગરની હોટેલમાં એક ભાડું રૂપિયા 67 હજાર, એરપોર્ટ પાસે આવેલી એક હોટેલનું ભાડું રૂપિયા 29400, વૈષ્ણોદેવી વિસ્તારમાં આવેલી એક હોટેલનું ભાડું રૂપિયા 29600, વસ્ત્રાપુર-સેટેલાઇટમાં આવેલી ફાઇવ સ્ટાર હોટેલના ભાડા રૂપિયા 30 હજાર જેટલા છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 7 હજારથી રૂપિયા15 હજારની આસપાસ હોય છે. આમ, હોટેલના ભાડામાં બે થી ચાર ગણો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં એનઆરઆઇ સિઝન પણ જામી છે. જેના કારણે પણ અનેક હોટેલના રૂમ દિવાળી બાદ જ બૂક થઇ ગયા હતા. દેશ-વિદેશથી આવતા અતિથિઓ માટે ગુજરાતના પ્રખ્યાત સ્થળોમાં સાઇટ સીઇંગ, અમદાવાદમાં જોય રાઇડ જેવા વિકલ્પ પણ આપવામાં આવી રહ્યા છે. હજુ ફેબુ્રઆરી સુધી અમદાવાદ-ગાંધીનગરની હોટેલ ઈન્ડસ્ટ્રીમાં તેજી જોવા મળે તેવી પૂરી સંભાવના છે.