Get The App

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ઉપસ્થિત રહેશે UAEના રાષ્ટ્રપતિ, રશિયાના પણ દિગ્ગજો બનશે મહેમાન

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં ઉપસ્થિત રહેશે UAEના રાષ્ટ્રપતિ, રશિયાના પણ દિગ્ગજો બનશે મહેમાન 1 - image


Vibrant Gujarat Summit 2024 : ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન કરી રહી છે. ત્યારે આ વાઇબ્રન્ટ સમિટમાં સંયુક્ત અરબ અમીરાત ( UAE)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન પણ ખાસ ઉપસ્થિત રહેશે. આ સિવાય મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યૂસી અને રશિયાના એક વરિષ્ઠ મંત્રી સહિતના અન્ય કેટલાક દેશોના દિગ્ગજો ગુજરાતનાં મહેમાન બનશે. આટલું જ નહીં કોર્પોરેટ અને બિઝનેસ જગતના એક લાખથી વધુ લોકો ગાંધીનગર આવશે. આ આયોજનમાં અંદાજિત 1 લાખ મહેમાનો સામેલ થવાની આશા છે.

ખાસ વાત એ છે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમદાવાદમાં જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એવામાં જ્યારે તેઓ ફરી અમદાવાદની ધરતી પર પગ મૂકશે કે એ પળ ખરેખર તેમના માટે ખૂબ જ ખાસ હશે. તો UAEના રાષ્ટ્રપતિ અલ નાહ્યાન અને વડાપ્રધાન મોદીની ગાઢ મિત્રતાથી તો આખી દુનિયા વાકેફ છે, આ મજબૂત સંબંધોની ઝલક ફરીવાર જોવા મળશે. એક જ મહિના બાદ વડાપ્રધાન મોદી પણ UAE ના મહેમાન બનવાના છે જ્યાં સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ કરવાના છે. આ UAEનું પહેલું હિન્દૂ મંદિર છે.

રશિયાના 200 અધિકારી અને બિઝનેસમેન રહેશે હાજર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રશિયાના 200 અધિકારી અને ઉદ્યોગપતિ હાજ રહેશે. તેની આગેવાની ત્યાંના વરિષ્ઠ મંત્રી કરશે. જે અધિકારી સમિટમાં આવી રહ્યા છે તેઓ પૂર્વ રશિયાના વિસ્તારોના ગવર્નર છે. ભારતની ગત વર્ષોમાં સુદુર-પૂર્વ રશિયામાં હાજરી વધી છે. વ્લાદિવોસ્તોક-ચેન્નઈ શિપિંગ કોરિડોર બંને દેશોના મોટા પ્રમાણમાં વેપારને પ્રોત્સાહન આપવામાં સક્ષમ બનાવી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં વિકસિત ભારત 2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્ર અને એક MSME કોન્ક્લેવ પણ આયોજિત થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં દર બે વર્ષે યોજાય છે. તેની શરૂઆત 2003માં ભારતના વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. રાજ્યમાં સમિટની દરેક આવૃત્તિએ નવા પરિણામો અને નવીન તકો રજૂ કરી છે, જ્યારે આ નોંધપાત્ર 20 વર્ષની ઉજવણી કરી રહી છે. 



Google NewsGoogle News