140 દેશોના 61000 ડેલિગેટ ગ્લોબલ બિઝનેસ સમિટમાં જોડાયા
image : Twitter
અમદાવાદ,તા.13 જાન્યુઆરી 2024,શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી 10મી ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હોવાનો દાવો કરી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી)ના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સમિટમાં 140 જેટલા દેશોના 61 હજાર કરતાં વધુ ડેલિગેટ્સ સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 10મી ગુજરાત ગ્લોબલ સમિટે નવો રેકોર્ડ સ્થાપિત કર્યોઃ રાહુલ ગુપ્તા
રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે 2024ની વિક્રમી ગ્લોબલ સમિટમાં 2862 જેટલી બીટુબી અને 1368 જેટલી બીટુજી મિટીંગોનું આયોજન થયું હતું આ સમિટમાં ઉપસ્થિત રહેલા 19 રાજ્યોના પ્રતિનિધિઓ પૈકી 13 રાજ્યોએ અલગ અલગ છ સેમિનાર યોજી તેમના રાજ્યોમાં મૂડીકોરાણની તકો અંગે માર્ગદર્શન આપ્યું છે.
150 જેટલા અગલ અલગ સેમિનારો થયાં છે. આ વખતે ઐતિહાસિક ગ્લોબલ બિઝનેસ કાર્યવાહીમાં 50 ટકા ગ્રીન એમઓયુ સાઇન થયાં છે.રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એસજે હૈદરે જણાવ્યું હતું કે અમૃતકાળની આ પ્રથમ સમિટમાં 35 દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાયા હતા. એ ઉપરાંત યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્ટે એમ ચાર દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત 40થી વધારે મંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.