રૂપાલા મામલે વિશ્વ હિન્દુ પરિષદનું પ્રથમ નિવેદન, કહ્યું- 'બંને પક્ષે મોટું મન રાખીને વિવાદનો ઉકેલ આવે'
Parshottam Rupala Controversy: રાજ્યમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો ગરમાયો છે અને ક્ષત્રિય સમાજમાં રોષ ચરમસીમાએ છે. ત્યારે પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) આગળ આવી છે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. VHPએ સુખદ સમાધાનની અપીલ કરી છે. સંગઠન દ્વારા એક પ્રેસનોટ જાહેર કરાઈ છે. તો બીજી તરફ સંતો સાથે વાતચીત બાદ વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી અશોક રાવલે પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને તરફે સુખદ સમાધાન થાય તે જરૂરી છે. હાલની સામાજિક સ્થિતિ અંગે સાધુ-સંતો ચિંતાતુર છે. બંને પક્ષે મોટું મન રાખીને વિવાદનો સુખદ અંત આવે તેવો આગ્રહ છે. રાષ્ટ્રહિત અને હિંદુહિતનો વિચાર કરીને સુખદ સમાધાન થાય.
સાધુ-સંતો એવું ઈચ્છે છે કે સમાધાન થાય એ સારું છે : અશોક રાવલ
અશોક રાવલે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે, તેને ધ્યાનમાં રાખીને જે પ્રકારે વાદવિવાદો ચાલ્યા છે. કોણ ખોટું કોણ સાચું તેને કહેવા કરતા બંને તરફે સન્માનપૂર્વક સુખદ સમાધાન થાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ ઈચ્છે છે. મેં આ વિવાદ અંગે સંતોને મળીને રજૂઆત કરી હતી. સંતો પણ એવું ઈચ્છે કે સમાધાન થાય એ સારું છે. ક્ષત્રિય સમાજનો ઈતિહાસ છે. તેણે વર્ષો સુધી દેશ, રાષ્ટ્ર, સમાજ માટે બલિદાન આપ્યા છે તે આપણે જાણીએ છીએ. ત્યારે દેશ માટે કામ કરનારા લોકો આવું બોલે તો નારાજગી થાય અને દુઃખ થાય તે સ્વાભાવિક છે. પરંતુ રૂપાલાએ ત્રણ વાર માફી માગી લીધી છે. 'ક્ષમા વિરસ્ય ભૂષણમ્'. બીજી બાજુ સરકારના પણ સારા કામ છે. સિક્કાની બે બાજુ રામ મંદિર, 370 કલમ, દેશની પ્રગતિ માટે સારું કામ કર્યું છે. છતા આ મનમેળ બેસતો નથી. હિન્દુ સમાજ અને બધી જ્ઞાતિના લોકો ચિંતાતુર છે અને તેઓ જલ્દી સમાધાન થાય તેવું ઈચ્છે છે.
રૂપાલા-ક્ષત્રિય સમાજ વિવાદમાં વિશ્વ હિંદુ પરિષદની અપીલ
પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું કે, 'દેશમાં રાજા-રજવાડાંનું યોગદાન મોટું રહ્યું છે અને તેમનાં બલિદાનોથી ઇતિહાસ ભરેલો રહ્યો છે. આખો દેશ આ વાતથી વાકેફ છે. ક્ષત્રિયો માટે કહેવાય છે કે ‘ક્ષમા વીરસ્ય ભૂષમણ’ (ક્ષમા વીરનું આભૂષણ છે). આપણે શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને રામરાજ્યની કલ્પનાને સાકાર કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમાજમાં સૌનો સાથ-સહકાર આવશ્યક છે. આ મામલે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલદાસજી તેમજ મહંત દિલીપદાસજી તેમજ અન્ય સંતો સાથે ચર્ચા થઈ અને તેઓ ઇચ્છે છે કે આ બાબતે રાષ્ટ્રહિત, સામાજિકહિત અને વિશેષપણે હિંદુહિતનો વિચાર કરીને બંને પક્ષે સન્માન જળવાય તે રીતે સુખદ સમાધાન કરવામાં આવે.'
વધુમાં જણાવાયું છે કે, 'સરકાર અને પાર્ટીએ (ભાજપ) ખૂબ મહેનત કરીને સમાજના સહકારથી ઘણાં સારાં કાર્યો કર્યાં છે. આર્ટિકલ 370 નાબૂદ કરવાથી લઈને રામ મંદિર અને દેશની પ્રગતિના કાર્યો કર્યા છે. જેને ધ્યાનમાં લઈને એક સબળ, સમર્થ અને સમરસ સમાજ અને દેશના નિર્માણ માટે સૌ મતભેદો દૂર કરીને એક થઈને મોટું મન રાખીને સુખદ સમાધાન કરે તેવી તમામ સંતો અને વિશ્વ હિંદુ પરિષદ અપીલ કરે છે.'
મહત્વનું છે કે, પરશોત્તમ રૂપાલાની રાજા-મહારાજાઓ અંગે ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે. છેલ્લા ઘણા દિવસોથી આંદોલન ચાલુ છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ રહી છે. તાજેતરમાં જ જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહ જાડેજા અને રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પણ આ અંગે પોતાની વાત રજૂ કરી હતી.
'ક્ષમા વિરસ્ય ભુષણમ્'ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ : જામનગરના જામસાહેબ
જામનગરના જામસાહેબ દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો છે. જામસાહેબે પત્રમાં લખ્યું હતું કે 'ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ. મારા ધ્યાન પર આવ્યુ કે રૂપાલાએ પહેલા બે વાર માફી માગી લીધી છે, પરંતુ આટલુ પૂરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો 'ક્ષમા વિરસ્ય ભુષણમ્'ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.'
હવે સુખદ નિરાકરણ લાવો: રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા
રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'રૂપાલાનું નિવેદન સાંભળીને મને આઘાત લાગ્યો. ભારતના બંધારણે આપણને બોલવાની છૂટ આપી છે તેનો મતલબ એવો નથી કે મનફાવે તેવો શબ્દ પ્રયોગ કરીએ. રૂપાલાએ અનેક વખત આ અંગે માફી પણ માંગી છે. ક્ષત્રિય સમાજની બહેનોએ જાહેરમાં વિરોધ કરવો પડે તે બાબતનું રંજ છે. હું ક્ષત્રિય સમાજની વિરુદ્ધ નથી. ક્ષત્રિય સમાજની સાથે છું અને એટલે જ મારી વેદના વ્યક્ત કરું છું. તેથી ક્ષત્રિય સમાજ દ્વારા સરકાર સાથે વાદવિવાદમાં પડવાને બદલે સંવાદ થકી સમાધાન કરવું જોઈએ અને આ સમસ્યાનો સુખદ અંત આવવો જોઈએ.'