વેસુના ફ્લાય ફાસ્ટ ઇમીગ્રેશનનો સંચાલકની UK ના વર્ક વિઝાના નામે રૂ. 20 લાખની છેતરપિંડી
- 3 મહિનામાં વિઝાનું કહી એડવાન્સ પેટે રૂ. 10 લાખ લઇ એગ્રીમેન્ટ કર્યા બાદ સ્પોન્સરશીપ લેટર માટે બાકીના રૂ. 10 લાખ પણ લઇ લીધા
સુરત
વેસુના ટ્રિનીટી સિઝન્સમાં ફ્લાય ફાસ્ટ ઇમીગ્રેશન નામે વર્ક પરમીટ વિઝાની ઓફિસના સંચાલકે ભરૂચના જંબુસરના ઇંટના વેપારીને યુ.કે ના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને રૂ. 20 લાખ પડાવી લઇ રાતોરાત ઓફિસને તાળા મારી દેનાર ઠગ એજન્ટ વિરૂધ્ધ વેસુ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
ભરૂચ જિલ્લાના જંબુસરના કોટ દરવાજા નજીક ઢોળાવ ફળિયામાં રહેતા ઇંટના વેપારી યતીન નવીન પટેલ (ઉ.વ. 34) એ યુ.કે જવા માટે મિત્ર અભિજીત પટેલ હસ્તક મે 2023 માં વેસુના ટ્રિનીટી સીઝન્સમાં ફ્લાય ફાસ્ટ ઇમીગ્રેશન નામે વર્ક પરમીટ વિઝાની ઓફિસ ધરાવતા ધાર્મિક સુરેશ માધવાણી (રહે. બ્લ્યુ બેલ્સ, વૈષ્ણોદેવી હાઇટ્સની બાજુમાં, કેનાલ રોડ, વણકલા, જહાંગીરપુરા) નો સંર્પક કર્યો હતો. ધાર્મિકે જરૂરી ડોક્યુમેન્ટ્સ લઇ રૂ. 20 લાખમાં યુ.કે ના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી રૂ. 10 લાખ એડવાન્સ અને વિઝા આવ્યા બાદ બાકીના રૂ. 10 લાખ આપવાનું કહ્યું હતું. જેથી યતીને રૂ. 10 લાખ એડવાન્સ ચુકવતા ધાર્મિકે એગ્રીમેન્ટ કરી આપ્યો હતો અને ચાર મહિનામાં વર્ક પરમીટ વિઝાની ખાતરી આપી હતી. ત્રણ મહિનાનો સમય પૂરો થતા યતીને ધાર્મિકનો સંર્પક કરતા પ્રોસેસ ચાલું છે એમ કહી વાયદા કર્યા બાદ યુ.કે.ની કંપનીનો સ્પોન્સરશીપ લેટર જોઇતો હોય તો બીજા રૂ. 10 લાખ આપવા પડશે અને વિઝા ઝડપથી આવી જશે. જેથી યતીને બેંક મારફતે રૂ. 10 લાખ ચુકવ્યા હતા અને ધાર્મિકે યતીનના ભાઇ નયન પટેલના વ્હોટ્સએપ ઉપર જેએસ એન્ડ ડી કેર પ્રોવાઇડર્સ નામની કંપનીનો સ્પોન્સરશીપ લેટર મોકલાવી દસ દિવસમાં વિઝા આવી જશે એવું કહી ધક્કો ચડાવ્યો હતો. જેથી યતીને વેસુ ખાતેની ઓફિસે જતા તે બંધ હતી અને પોતે દિલ્હી ખાતેની ઓફિસે છે એવું કહેતા યતીનનો ભાઇ નયન દિલ્હી ગયો હતો પરંતુ તેણે દિલ્હી ખાતેનું જે સરનામું આપ્યું હતું ત્યાં તેની કોઇ ઓફિસ ન હતી.