સુરતમાં રસ્તાની બાજુમાં લાંબા સમયથી પડી રહેલા કંડમ વાહન ટ્રાફિક અને સ્વચ્છતા માટે જોખમી
Surat : ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં સુરત મહાનગરપાલિકા ફરી વખત નંબર વન માટે કમર કસી રહી છે. પરંતુ સુરતના જાહેર રસ્તાની બાજુમાં લાંબા સમયથી પડી રહેલા કંડમ વાહન ટ્રાફિક સ્વચ્છતા માટે જોખમી બની રહ્યાં છે. પાલિકા જાહેર રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરી કરે છે પરંતુ લાંબા સમયથી પડી રહેલા કંડમ વાહન દૂર કરવામાં ઉદાસીનતા હોવાથી રોડની બાજુમાં પડેલી કંડમ વાહન સફાઈ સાથે સાથે ટ્રાફિક માટે પણ ન્યુસન્સરુપ બની રહ્યા છે. પાલિકા અને પોલીસની બેદરકારીના કારણે સુરતના રસ્તા પર લાંબા સમયથી પડી રહેલા વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જે સુરતીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે.
સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખીને રોડ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી છે. લોકોએ પોતાની બાપ દાદાની મિલકત શહેરના હિતમાં સ્વૈચ્છિક ડિમોલીશન કરીને યોગદાન આપ્યું છે. પરંતુ પાલિકા અને પોલીસની બેદરકારીના કારણે સુરત શહેરના અનેક જાહેર માર્ગ પર કંડમ થયેલા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરતમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે અને સફાઇની સમસ્યામા વધારો થઈ રહ્યો છે. પાલિકા અને પોલીસ જાહેર રસ્તા પર પડેલા કન્ડમ વાહનો સામે કોઈ કામગીરી કરતી ન હોવાથી દિવસેને દિવસે આ સમસ્યા વિકરાળ બનીને બહાર આવી રહી છે.
સુરત પાલિકાના અનેક રસ્તાઓ અને ફુટપાથને લાખો રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામા આવી રહ્યાં છે. પરંતુ સુરત પાલિકાના આ ડેવલપમેન્ટમાં કેલાક ભંગારવાળા અને ગેરેજવાળા અડચણ ઉભી કરી રહ્યાં છે. ભંગાવાળા અને ગેરેજવાળા પાલિકાના રોડ પર કબજો કરીને ભંગાર-કન્ડમ થયેલા વાહનો રોડ અને ફુટપાથ પર મુકી રહ્યાં છે. સુરત પાલિકાએ જાહેર રસ્તા પર મુકેલા વાહનો સામે કામગીરી કરવા માટે નિયમ બનાવ્યા છે પરંતુ તેનો અમલ કરતી નથી જેના કારણે દિવસેને દિવસે રોડ પર કન્ડમ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
ગેરેજવાળા અને ભંગારવાળા રસ્તાની બાજુમાં વાહનો ખડકી દેતા હોવાથી જાહેર રસ્તા પર દબાણ થતા ટ્રાફિકની સમસ્યા વધી રહી છે એટલું જ નહીં પરંતુ સફાઈની કામગીરી પણ આ વાહનોને કારણે શક્ય બનતી નથી. રસ્તાની બાજુમાં વાહનો હોવાથી સફાઈની કામગીરી થતી અને અને આવા દબાણના કારણે સફાઈ કામદારો પણ વેઠ ઉતારી રહ્યા છે. આ ઉપરાંત કંડમ વાહન રસ્તાની બાજુમાં પડ્યા હોવાથી સતત અકસ્માતનો ભય પણ રહેલો છે. આવા વાહનો દુર કરવા માટે પાલિકાએ નિયમ તો બનાવ્યા છે પરંતુ તેનો અમલ થતો ન હોવાથી કંડમ વાહનોની સંખ્યા વધવા સાથે લોકોની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
રસ્તાની બાજુમાં મુકાયેલા વાહનોથી અકસ્માતની ભીતિ
સુરત પાલિકાએ લોકોની મિલ્કતો દૂર કરીને રસ્તા પહોળા કર્યા છે પરંતુ આ પહોળા કરેલા રસ્તા પર અનેક જગ્યાએ કંડમ વાહન પાર્ક કરી દેવામાં આવે છે. આવા વાહનોને કારણે ગંદકી અને ટ્રાફિક સમસ્યા તો થઈ રહી છે તેની સાથે સાથે સતત અકસ્માતની ભીતિ પણ રહેલી છે.
સુરત પાલિકાએ ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અનેક રસ્તા પહોળા કર્યા છે પરંતુ તેના પર માથાભારે તત્વોના દબાણ સાથે કન્ડમ વાહનો પણ આડેધડ પાર્ક થઈ રહ્યાં છે. લાંબા સમયથી આવા કંડમ વાહન પડ્યા રહે છે. તેના કારણે રસ્તા પર નિયમોનું પાલન કરીને દોડી રહેલા વાહનને કારણે અકસ્માતની ભીતિ રહેલી છે. આવી સ્થિતિ છતાં પાલિકા કે પોલીસ આવા વાહનો દૂર કરવા માટેની કામગીરી કરતી ન હોવાથી લોકોના જીવ સામે ખતરો રહેલો છે.