છે ને ભેજુ! વાહનચોર પોલીસ પાસેથી જ વાહન માલિકનો નંબર લઇ વાહન પરત કરવાના નામે રોકડી કરતો હતો
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસે ડુપ્લીકેટ પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડી કરી લેતા એક ભેજાબાજને ઝડપી પાડી સાત મોટરસાયકલ કબજે કરી છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાએ વોચ રાખી હતી. જે દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરના ચીખલીયા ગામે રહેતો સંજય હરજીભાઈ વણકર પોલીસને જોઈ બાઈક પર ભાગવા જતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે મોટરસાયકલની તપાસ કરતા કાલોલ ખાતેના ગેરેજમાંથી પોલીસની ઓળખ આપીને મોટરસાયકલ મેળવી હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ચોંકાવનારા નેટવર્કનો ભેદ ખુલ્યો હતો.
ભેજાબાજ સંજય પહેલા વાહન ચોરતો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે તપાસ કરી જે તે પોલીસ સ્ટેશનનો નંબર ગૂગલ પરથી મેળવી પોતે પોલીસ તરીકે વાત કરતો હતો અને વાહન માલિકનો નંબર મેળવી લેતો હતો. જો પોલીસ ફરિયાદના થઈ હોય તો ઓનલાઇન સર્ચ કરીને બાઈક નંબરના આધારે માલિકનું નામ ઠામ મેળવી લેતો હતો.
ત્યારબાદ તે માલિકનો સંપર્ક કરી પોલીસ તરીકે વાત કરતો હતો અને ચોરેલી મોટરસાયકલ પાછી જોઈતી હોય તો કોઈપણ કાર્યવાહી કર્યા વગર રૂપિયા લઈ આપી દેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સંજયની પત્નીએ પણ તેની સામે કેસ કર્યો છે અને છેલ્લા એક મહિનાથી તેણે વડોદરામાં સયાજી સિવિલ હોસ્પિટલ, એમએસ યુનિવર્સિટી અને અટલાદરામાંથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી હોવાની વિગતો ખુલી છે. આ ઉપરાંત તેને આણંદ નડિયાદ ખાતે પણ મોટરસાયકલની ચોરી કરી હોવાની વિગત ખુલતા કુલ સાત મોટરસાયકલ કબજે કરવામાં આવી છે.