ચોરેલી ઈકો વાન વેચવા નીકળેલો વાહન ચોર નડિયાદમાંથી ઝડપાયો
- મિલ રોડ ઉપર ફાટક પાસેથી પકડાયો
- કાયાવરોહણ ઈન્દિરાનગરીમાં રહેતા શખ્સે ૭ દિવસ અગાઉ ડભોઈથી ગાડી ચોરી હોવાની કબૂલાત
નડિયાદ : એલસીબી ખેડા પોલીસે વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ઈકો ગાડીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. એલસીબી પોલીસે નડિયાદ રોડ ઉપરથી ઈકો ગાડી વેચવા આવેલ ઇસમને ઝડપી પાડી નડિયાદ ટાઉન પોલીસને સોંપેલ છે.
એલસીબી ખેડા પોલીસ ગઈકાલે સાંજે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહેમદાવાદથી એક ઇસમ ઈકો ગાડી વેચવા નડિયાદ તરફ આવી રહ્યો હતો.
જેથી પોલીસે નડિયાદ મિલ રોડ ઉપર ફાટક પાસે નંબર પ્લેટ વગરની ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી હંકારી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો કરી ઈકોના ચાલકની પૂછપરછ કરતા તેની પાસે ગાડીના કાગળો મળી આવ્યા ન હતા. આ ઇસમની પૂછપરછ કરતા રાહુલ ઉર્ફે કીસુ પ્રભાતભાઈ વસાવા (રહે. કાયાવરોહણ ઇન્દિરા નગરી તાલુકો ડભોઇ)એ સાત દિવસ પહેલા ડભોઇથી આ ગાડી ચોરી હોવાનું જણાવ્યું હતું.
આ બનાવ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે. આમ એલસીબી ખેડા પોલીસે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.