Get The App

હદ થઈ ગઈ: મહેમદાવાદમાં પતરાના શેડમાં ચાલે છે PMJAY માન્ય હોસ્પિટલ

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
Ved Multi Specialty Hospital


Ved Multi Specialty Hospital : ગુજરાતમાં PMJAY માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટનાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેવામાં ખેડા જિલ્લાના મહેમદાવાદમાં PMJAY માન્ય હોસ્પિટલ પતરાના શેડમાં ચાલી રહી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર મામલે પ્રશ્ન ઊભો થાય છે કે, પતરાના શેડ વાળી હોસ્પિટલને આખરે મંજૂરી કેવી રીતે મળી? તો બીજી તરફ હોસ્પિટલ સંચાલકે દાવો કર્યો છે કે હોસ્પિટલનું રિનોવેશન ચાલતુ હોવાથી આ અંગે ગાંધીનગર સુધી જાણ કરવામાં આવી છે.

પતરાના શેડમાં હોસ્પિટલ

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં PMJAY માન્ય વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડમાં ચાલી રહી હોવાથી વિવાદ સર્જાયો છે. જ્યારે હોસ્પિટલ સંચાલકે સમગ્ર મામલે ફોડ પાડ્યો હતો કે ગાંધીનગર સહિત તાલુકા આરોગ્ય વિભાગ ખાતેથી પણ પરવાનગી લેવામાં આવી હતી.

હોસ્પિટલ સંચાલકે શું કહ્યું?

હોસ્પિટલ સંચાલક ડૉ. વૈભવ પટેલે કહ્યું કે, 'અહીં બાલાસિનોર, મહિસાગરથી દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલનું રિનોવેશન ચાલી રહ્યું છે, તેવામાં દર્દીઓને તકલીફ ન પડે એ માટે કામચલાઉ ધોરણે આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ અંગે ગાંધીનગર ખાતે પણ જાણ કરી છે. દર્દીઓને સારવાર માટે અન્ય જિલ્લામાં જવું ન પડે એ માટે હાલ કામચલાઉ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. જેનું છ મહિનાથી કામકાજ ચાલુ છે. જ્યારે પરવાનગી સાથે નવી બિલ્ડીંગ તૈયાર થઈ રહી છે. જો કે, ત્રણથી છ મહિનાનું કામ હતું એટલામાં વિવાદ સર્જાયો છે.'

આ પણ વાંચો: ગુજરાતમાં ડમ્પરચાલકો બન્યા બેફામ: 24 કલાકમાં બાળકી સહિત 2ને કચડ્યા, ત્રણ ઇજાગ્રસ્ત

સમગ્ર મામલે તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 'હોસ્પિટલની રિનોવેશનની કામગીરી પહેલા અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. અને હવે ફરિયાદના આધારે અમારી કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે.'


Google NewsGoogle News