Get The App

પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, 45 વિજેતા પંચાયતમાંથી 42%માં મહિલા નેતૃત્વ

Updated: Dec 13th, 2024


Google News
Google News
પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, 45 વિજેતા પંચાયતમાંથી 42%માં મહિલા નેતૃત્વ 1 - image


Best Panchayat in the country : ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઍવૉર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત ‘સુશાસન યુક્ત પંચાયત’ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 પંચાયત વિજેતા થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, આ પૈકી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરે છે.

વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો

ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ માળખાના કારણે દેશભમાં જાણીતું છે. જો કે, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે  ગુજરાતમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત સ્તરે પણ વહીવટી વ્યવસ્થા સુધરી રહી છે. ગુજરાતના આદિવાસી જિલ્લા પંચમહાલની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ ઍવૉર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: આ છે ગુજરાતના સૌથી યુવા સરપંચ, કૉલેજ પાસ કરીને સંભાળ્યું સુકાન, ગામને આંતરરાષ્ટ્રીય સ્તરે અપાવ્યું માન

પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, 45 વિજેતા પંચાયતમાંથી 42%માં મહિલા નેતૃત્વ 2 - image

ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશ્નરે આ વિશેષ સિદ્ધિ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘ગુજરાત ગ્રામીણ વિકાસ અને ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં ખૂબ જ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકાર ગ્રામ પંચાયતોમાં વહીવટી પ્રક્રિયાઓમાં ઈ-ગવર્નન્સનું અનુપાલન વધારવા અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇઝ ઑફ લિવિંગને પ્રોત્સાહન આપવા જેવી બાબતોને પ્રાથમિકતા આપી રહી છે. 

આ માટે રાજ્ય સરકાર, ખાસ કરીને ગ્રામ પંચાયતોમાં નાગરિક કેન્દ્રિત સેવાઓ પર વધુ ધ્યાન આપી રહી છે, જેના પરિણામે પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી 2 ગ્રામ પંચાયત આજે દેશની સૌથી ‘સુશાસન યુક્ત ગ્રામ પંચાયત’ બની ગઈ છે.

45 વિજેતા પંચાયતોને ડિજિટલ ટ્રાન્સફર દ્વારા ₹46 કરોડ એનાયત

રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2024માં 45 ઍવૉર્ડ વિજેતા પંચાયતોને કુલ ₹46 કરોડની ઇનામી રકમ ફાળવવામાં આવી હતી, જે સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેમાંથી દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઍવૉર્ડ (DDUPSVP)ના 27 વિજેતાઓ માટે સૌથી વધુ ₹20.25 કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. 27 વિજેતા પંચાયતોને સંયુક્ત રીતે પ્રાપ્ત થયેલી આ રકમમાંથી ગુજરાતનો હિસ્સો પણ ડિજિટલ માધ્યમથી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

કુલ 9 ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી પંચાયતોને સન્માન 

પંચાયતોને 9 વિષયક્ષેત્રમાં તેમની કામગીરીના આધારે રેન્કિંગ અને સન્માન પ્રાપ્ત થયા હતા. તેમાં ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત, સ્વસ્થ પંચાયત, બાળ મૈત્રીપૂર્ણ પંચાયત, જળ પર્યાપ્ત પંચાયત, સ્વચ્છ તેમજ હરિત પંચાયત, આત્મનિર્ભર માળખાકીય સુવિધાઓ યુક્ત પંચાયત, સામાજિક રીતે ન્યાય સંગત અને સામાજિક રીતે સુરક્ષિત પંચાયત, સુશાસન યુક્ત પંચાયત અને મહિલા-મૈત્રીપૂર્ણ પંચાયત, આ 9 વિષયનો સમાવેશ થાય છે.

પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, 45 વિજેતા પંચાયતમાંથી 42%માં મહિલા નેતૃત્વ 3 - image

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા શું છે?

રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર સ્પર્ધા બહુ-સ્તરીય સંરચનામાં આયોજિત કરવામાં આવે છે, જેમાં પંચાયતોનું મૂલ્યાંકન બ્લોક, જિલ્લા, રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પાયાના સ્તરે ટકાઉ વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. આ પુરસ્કારો માત્ર શ્રેષ્ઠ પ્રણાલીને જ પ્રોત્સાહિત નથી કરતા, પરંતુ પંચાયતોમાં પ્રતિસ્પર્ધાની ભાવના લાવીને ગ્રામીણ સમુદાયોને ગુણવત્તાયુક્ત શાસન અને સેવાઓ પ્રદાન કરવામાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની પ્રેરણા પણ આપે છે. 

Tags :
National-Panchayat-Award-2024Vavakulli-2PanchayatPanchmahal

Google News
Google News