વાવમાં વધુ એક રાજકીય વળાંક! ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું, જાણો કોને આપ્યું સમર્થન
Vav Assembly Bypoll : ગુજરાતમાં આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બનાસકાંઠામાં દરરોજ રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ ગેનીબેન ઠાકોરના કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, ભુરાજી ઠાકોરે ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને સમર્થન આપ્યું છે.
ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે ફોર્મ ખેંચ્યું પરત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર અને ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. તેમણે આગેવાનોના કહેવાથી ફોર્મ પરત ખેંચ્યું હોવાનું સામે આવ્યું છે. ભુરાજી ઠાકોરે સમાજના મતનું વિભાજન ન થાય તે માટે નિર્ણય લીધો છે. તો ચોંકાવનારી વાત તો એ છે કે, ભુરાજી ઠાકોરે ભાજપને સમર્થન આપ્યું છે. લવિંગજી ઠાકોર સહિતના આગેવાનો સાથે રાખીને ભુરાજીએ ફોર્મ પરત ખેંચ્યું છે.
આ પણ વાંચો : વાવ બેઠક પર રાજપૂતોનું રાજ કે પછી ઠાકોર સમાજનો ઠાઠ? જાણો કેવા છે જાતિગત સમીકરણો
ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા
ભુરાજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા બાદ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. જોકે ગેનીબેનના કાકા ભુરાજી ઠાકોર ઘણાં સમયથી ભાજપ સાથે જ જોડાયેલા છે. જોકે પેટાચૂંટણીમાં ટિકિટ ન મળતાં તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જણાવી દઈએ કે, ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિગેટ રહી ચૂક્યા છે. રસપ્રદ વાત એ છે કે, ભુરાજી ઠાકોરના પત્ની કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસમાંથી તે જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચૂક્યા છે. ભુરાજી ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે, જેથી તેમણે વાવ બેઠક પરથી પોતાનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આગેવાનો સાથે મુલાકાત બાદ તેમણે પોતાનો નિર્ણય બદલ્યો છે.