ગુજરાત સરકારની 'વતનપ્રેમ' યોજના નિષ્ફળ! એક પૈસો પણ દાન ન મળ્યું, વિધાનસભામાં કબૂલાત
માતૃભૂમિનું ઋણ ઉતારવામાં વિદેશમાં રહેતા ગુજરાતી દાતાઓએ રસ દાખવ્યો નહી
Gujarat Government Scheme | વિદેશમાં રહેતાં ગુજરાતીઓ માતૃભૂમિનું ઋણ ચૂકવી શકે અને ગામડાઓમાં વિકાસના કામો થાય તે હેતુસર ગુજરાત સરકારે શરૂ કરેલી વતમપ્રેમ યોજનાનું ભવિષ્યહાલ અંધકારમય બન્યું છે. તેનુ કારણ છેકે, આ યોજના માટે વિદેશથી કાણીપાઈ દાન મળી શક્યુ નહીં. વિદેશમાં રહેતાં ગુજરાતી દાતાઓએ ગામડામાં વિકાસના કામો માટે દાન આપવામાં રસ દાખવ્યો નથી. ખુદ રાજ્ય સરકારે આ વાતનો ખુલાસો કર્યો છે.
વિદેશમાં રહેતા ગુજરાતીઓ પાસેથી દાન મેળવીને ગામડાઓમાં વિકાસના કામો કરવા માટે રાજ્ય સરકારે તા.૭મી ઓગષ્ટ,૨૦૨૧માં વતનપ્રેમ યોજના લોન્ચ કરી હતી. એવુ નક્કી કરાયુ હતુંકે, વિદેશમાં રહેતાં ગુજરાતીઓ ૬૦ ટકા રકમ દાન પેટે આપે તો સરકાર ખુટતી ૪૦ ટકા ગ્રાન્ટ આપીને ગામડાઓમાં પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળાવનું બ્યુટીફિકેશન, શાળાના ઓરડા, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, સીસીટીવી કેમેરા, એસટી સ્ટેન્ડ, સોલર સ્ટ્રીટ લાઈટ ઉપરાંત વિકાસના કામો કરાવશે.
દાતાઓએ દાનની રકમ ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને પંચાયત વિભાગમાં જમા કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે સાથે આ વતન પ્રેમ યોજના થકી ગામડામાં વિકાસના કામો સુચારુ રુપે થાય તે માટે અલાયદુ પોર્ટલ પણ બનાવાયુ હતુ. વિદેશમાં રહેતાં ગુજરાતીઓને આ આખીય યોજનાથી વાકેફ થાય તે રીતે પ્રચાર સુધ્ધાં કરાયો હતો. વતનપ્રેમ સોસાયટીની દેખરેખ હેઠળ એક અલાયદી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કમિટી સુધ્ધાં બનાવવામાં આવી હતી. આટલી કવાયત પછીય વતનપ્રેમ યોજનાને પ્રતિસાદ સાંપડ્યો નથી.
મોટાઉપાડે શરૂ કરાયેલી વતનપ્રેમ યોજના અંગે ખુદ સરકારે વિધાનસભામાં એવું કબૂલ્યું કે વિદેશમાં દાન પેટે એક પૈસો મળ્યો નથી. હવે સવાલ એછેકે, દાન પૈસે જ ગામડાનો વિકાસ કરવાનુ નક્કી થયુ હતું પણ દાન જ મળ્યુ નથી ત્યારે આ યોજના હાલ ટલ્લે ચડી છે. વિદેશમાં રહેતાં ગુજરાતીઓને જાણે વતનપ્રેમ યોજના પ્રત્યે વતનપ્રેમ જ ઉભરાયો નહી. આ કારણોસર આ યોજનાનુ ભવિષ્ય અંધકારમય બન્યુ છે. ગામડાના વિકાસ માટે સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન વતન પ્રેમ યોજના હાલ અધ્ધતાલ છે.