વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ માટે વાસી ઉતરાયણની રજા જાહેર
Vadodara Corporation : ઉતરાયણના પતંગોત્સવ પર્વની મોજ માણવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કર્મચારીઓને ઉતરાયણ અને વાસી ઉતરાયણ નિમિત્તે તા.14 અને તા. 15મીએ રજા જાહેરનો પરિપત્ર જારી કર્યો છે. જ્યારે વાસી ઉતરાયણની વધારાની રજાની અવેજીમાં તા.25મીએ ચોથા શનિવારે પાલિકાની તમામ ઓફિસો ચાલુ રહેશે. આમ પાલિકા દ્વારા વાસી ઉતરાયણની વધારાની રજા જાહેર કરાતા કર્મચારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.
ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ વાસી ઉતરાયણની વધારાની રજા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવે છે અને તેની અવેજીમાં છેલ્લા શનિવારે પાલિકાની તમામ કચેરીઓનું કામકાજ ચાલું રાખવાની જાહેરાત કરવામાં આવે છે. પરિણામે પાલિકા કર્મીઓને ઉતરાયણ નિમિત્તે બે દિવસની રજાનો આનંદ બેવડાય છે. આવી જ રીતે ચાલું વર્ષે પણ વાસી ઉતરાયણની વધારાની રજા પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે પરંતુ તેની અવેજીમાં જાન્યુઆરી માસના છેલ્લા શનિવારે પાલિકા તંત્રની શહેરની તમામ કચેરીઓનું કામકાજ યથાવત રહેશે. આ અંગેનો પરિપત્ર જાહેર થતાં પાલિકા કર્મીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.