રવિવારે વસંતપંચમીનું વણજોયું મુહૂર્ત, ગોહિલવાડમાં બે હજારથી વધુ લગ્ન
- લગ્નસરા જામતા બજારોમાં ખરીદીનો માહોલ જામતા રોનક છવાઈ
- ભાવનગર શહેર અને જિલ્લાની મોટા ભાગની જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, પાર્ટીપ્લોટ, હોટલ અને રિસોર્ટ બુક : લગ્નસરા સિવાયના પણ શુભ પ્રસંગોનો ધમધમાટ
ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ સોળે કળાએ શિયાળુ લગ્નોત્સવનો અંતિમ તબકકો ખિલી ઉઠયો છે.જેના કારણે સ્થાનિક મોટા ભાગના જ્ઞાતિ, સમાજની વાડી, બોર્ડિંગ, છાત્રાલય, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ, કોમ્યુનિટિ હોલ, હોટલ, રિસોર્ટ, બેન્ડવાજા, ઢોલ, ત્રાંસા,ફૂલ, બુકે, ડી.જે., ગોર મહારાજ, કેટરર્સ, બ્યુટીપાર્લર, ઈવેન્ટ મેનેજર્સ અને રસોયા સહિતના છેલ્લા દોઢેક માસથી બુક થઈ ગયા છે. લગ્નોમાં પણ હવે હલ્દી, મહેંદી, સંગીતસંધ્યા સહિતના જુદા જુદા પ્રોગ્રામના કારણે લગ્ન નિર્ધારેલ પરિવારોમાં દોડધામ અને ખરીદી વધી ગઈ છે.જો કે, ડેકોરેશન,ફૂલ અને ફૂડમેનુમાં પણ ભાવ વધારો થયો છે તેમ છતા લોકોા ઉત્સાહને લઈને બુકીંગ હાઉસફુલ છે. ગોર મહારાજ અને રસોયાઓને બેથી ત્રણ શિફટમાં કામ કરવાનો વખત આવ્યો છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વસંતપંચમીના પર્વે યોજાતા લગ્નને અત્યંત માંગલિક અને શ્રેયકર માનવામાં આવતા હોય આગામી તા.૨ ફેબુ્રઆરીને રવિવારે વસંતપંચમીએ વણજોયા શુભ મુર્હૂતે ભાવનગર સહિત રાજયભરમાં ચોમેર અંદાજે દસ હજારથી વધુ લગ્નો યોજાશે એટલે રવિવારે દિવસ દરમિયાન ઠેર-ઠેર લગ્નોત્સવની કર્ણપ્રિય શરણાઈઓ ગૂંજતી સંભળાશે, બજારોમાં ચોમેર ડી.જે. અને બેન્ડવાજાના સંગાથે વરઘોડાઓ ફરતા જોવા મળશે જેમાં જાનૈયાઓ મન મુકીને ઝુમી ઉઠતા દ્રશ્યમાન થશે. કાપડના વિક્રેતાએ જણાવ્યુ હતુ કે,લગ્નસરાની સિઝનને લઈને ૨૦ ટકા વધુ કાપડની ખરીદી થઈ છે.માનવીઓ જેમ ઉત્સવ ઉજવે છે તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે. અને તે મહાપર્વના વધામણા આપતા વસંતપંચમીના અવસરે ચોતરફ લગ્નોત્સવ,સગાઈ, વાસ્તુપૂજન, નૂતન ગૃહ પ્રવેશ, નવી ઓફિસ,ફેકટરીનું ઉદઘાટન આદિ માંગલિક કાર્યોનો ધમધમાટ જોવા મળશે. એટલુ જ નહિ આ સાથે વસંતપંચમીના પર્વે ઠેર-ઠેર જમીન અને મકાન, પ્લોટ સહિતની જંગમ અને સ્થાવર મિલ્કતોના સોદાઓ થશે. લગ્નસરાની સિઝનને અનુલક્ષીને ભાવનગર શહેર અને જિલ્લાના તાલુકા મથકોની વિવિધ બજારોમાં છેલ્લા સપ્તાહથી સોના-ચાંદી, કાપડ, ગીફટ આર્ટીકલ તેમજ ફૂલ સહિત તમામ વેપાર ધંધામાં ઉછાળો આવતા ખરીદીનો માહોલ જામતા રોનક છવાઈ ગઈ છે.
વર્ષ 2021 માં વસંતપંચમીએ શુભ મુહૂર્ત ન હતું
વસંત પંચમી અને અખાત્રીજ એ માંગલિક કાર્યો માટેનું વણજોયુ શુભ મુર્હૂત ગણાય છે.ત્યારે વિધિની વિસંગતતાને લઈને ગત ૨૦૨૧ માં વસંત પંચમીના પર્વે લગ્ન માટેનું શુભ મુર્હૂત ન હતુ.આથી તે દિવસે વસંતપંચમીનું મુર્હૂત લગ્નની શરણાઈઓ વગરનું સુનુ સુનુ, સુમશામ અને કોરૂધાકોર રહ્યુ હતુ.