સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના થઈ
સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મંગળવારે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વધારાના કામ તરીકે દરખાસ્ત આવી હતી તેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જોકે, 10 કમિટીની રચના થઈ તે પૈકી વિપક્ષી સભ્યને માત્ર બે કમિટિમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આજની બેઠકમાં શિક્ષણ સમિતિની શાળામાં 11 હજાર વિદ્યાર્થીઓ એક સાથે ભગવત ગીતાનું પઠન કરી રેકોર્ડ કરાશે તેવો દાવો કરવામા આવ્યો હતો.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લાંબા સમયથી વિવિધ સમિતિની રચના ની અટકળો ચાલતી હતી તેનો અંત આવ્યો હતો. મંગળવારની સભામાં વધારાના કામ તરીકે વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં મહત્વની ગણાતી ખરીદ સમિતિમાં કન્વીનર તરીકે અનુરાગ કોઠારીની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત ઉદ્યોગ પ્રવાસ અને રમતગમત સમિતિમાં કન્વીનર તરીકે વિનોદ ગજેરા, કોમ્પ્યુટર સમિતિમાં કન્વીનર તરીકે શુભમ ઉપાધ્યાય, મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિમાં કન્વીનર તરીકે સંજય પાટીલ, બજેટ સમીક્ષા સમિતિમાં કન્વીનર તરીકે રંજના ગોસ્વામી, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સમિતિમાં કન્વીનર તરીકે રાકેશ ભીકડીયા, ભવન સમિતિમાં કન્વીનર તરીકે યશોધર દેસાઇ, બાલવાડી વિકાસ સમિતિમાં કન્વીનર તરીકે સ્વાતિ સોસા, કેળવણી સજ્જતા સમિતિમાં કન્વીનર તરીકે નિરંજના જાની અને બાળ-તંદુરસ્તી-ફાયર સમિતિમાં અરવિંદ કાકડિયાની નિયુક્તિ કરવામાં આવી છે. જોકે, 10 કમિટીમાંથી માત્ર બે કમિટિમા જ વિપક્ષને સ્થાન આપવામાં આવ્યું છે. પેટા સમિતિ માં ફેરફાર અને પછી કન્વીનરના નામો માટે છૂપી રીતે હલચલ જોવા મળતી હોય સમિતિ વર્તુળમાં અને અટકળો શરૂ થઈ છે.
શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કેળવણી સજ્જતા સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં સમિતિના ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ સમૂહમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરશે. આગામી દિવસોમાં ધોરણ-૬થી ૮માં ભાગવદ્ ગીતાને ભણાવવામાં આવશે. એવામાં રાષ્ટ્રનિર્માણ સાથે ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે માટે એકસાથે ૧૧ હજારથી વધારે વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાનું પઠન કરી એક રેકોર્ડ કરશે તેવો દાવો કર્યો હતો.
આ ઉપરાંત આ સભામાં શિક્ષણ સમિતિના ધોરણ-૨થી ૮ના વિદ્યાર્થીઓને સ્ટેશનરી કિટ આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ હતી. તેમાં લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને વિદ્યાર્થી સંખ્યા માં વધારા-ઘટાડાને આધારે સ્ટેશનરી કિટ પૂરી પાડવા નો ઓર્ડર માટે લીલી ઝંડી આપવામાં આવી હતી. બેઠકમાં રમત ગમત કમિટિના સંજય પાટીલે શિક્ષણ સમિતિમાં હવે દેશી રમતો સાથે સાથે હોકી, સ્વિમિંગ, યોગા, જુડો, કરાટે, વોલીબોલ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, ચેસ જેવી ઓલમ્પીકમાં રમાય તેવી ગેમ પણ શરુ કરવા માટેની વાત કરી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન સહિત મૂલ્યો કેળવાઈ તે હેતુથી એનસીસી કેડેટ્સ કે સ્કાઉટ્સ શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.