'સુરતની સરથાણા પોલીસ તોડ કરે છે'...વરાછાના ધારાસભ્યએ આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Surat MLA llegation on Sarthana police : સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાય છે. સુરતના ધારાસભ્ય પ્રજાની વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે અવાર-નવાર સવાલો કરતા હોય છે. તેઓ પ્રજાનો અવાજ બની અનેક સમસ્યાઓને લઈને છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાણાનીનો વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે. તેમણે સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી છે.
સુરતના ધારાસભ્ય કિશોર કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને સુરત પોલીસ કમિશનર લેટર લખી જણાવ્યું હતું કે સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા મૌખિક સુચનાને આધારે 11 જાન્યુઆરી 2025ના રોજ બપોરે આશરે 3.30 કલાકે લાઇસન્સ વગર હાર્પિક કંપનીનું ડુપ્લિકેટ લિક્વિડ પકડવા માટે રેડ કરવામાં આવેલ હતી. આ રેડમાં અંદાજે 8 થી 10 પોલીસકર્મીઓ હતા. આ પોલીસકર્મીઓએ તથા હાર્પિક કંપનીના પ્રતિનિધિ વિનોદ ભાઈ બીજવાભાઈ સુમરા સાથે મળી આરના એન્ટરપ્રાઈઝ ઉપર રેડ કરીહતી.
આ રેડમાં પોલીસકર્મીઓ તથા કંપનીના પ્રતિનિધિએ ભેગા મળી આરના એન્ટરપ્રાઈઝના માલિકો પાસેથી રૂ. 8,00,000 લઈ ગોડાઉનમાં હાજર પૂરો માલ FIRમાં ન દર્શાવવા માંગ્યા હતા. ગોડાઉનમાં માલ 20 લાખ કરતા પણ ઘણો વધારે હતો. આમ છતાં ફક્ત રૂ. 3,31,200નો બતાવી બાકીનો માલ આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનથી એન્યમ સર્કલ, રીંગરોડ પાસેના ક્રિટલ ફાર્મમાં પોલીસની મદદગારીથી 5 આઈસર ભરીને સગેવગે કરવામાં પોલીસકર્મીઓ સામેલ હતા.
આ પણ વાંચો: અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી
રેડ પડી ત્યારે આરના એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં હાજર તમામ માલિક તેમજ કામદારોના મોબાઈલ ગેરકાયદેસર રીતે જપ્ત કરી લેવામાં આવ્યા હતા. જેથી કોઈ પુરાવા મળે નહિ. અને લીધેલા રૂ. 8,00,000ની રકમ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહે આરના એન્ટરપ્રાઈઝના માલિકની સ્કોડા ગાડીમાં લઈને સરવાણા પોલીસ સ્ટેશન અંદાજે સાંજે 5.00 વાગ્યાના સુમારે જતો રહ્યો હતો.
આરના એન્ટરપ્રાઈઝના કુલ 3 માલિક છે. તો FIR માં ફક્ત એક માલિક જ કેમ દર્શાવવામાં આવ્યું.? બાકીના બે માલિકના નામ અર્પિત અને હિરેન ગોળવિયા છે. આ રેડમાં પોલીસકર્મી દ્વારા કરેલા ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડાઓ જેવું છે. અને આ બાબતે ઈ-ચાર્જ પી.આઈ. કે.એ. ચાવડાની સુચનાથી આ રેડ પાડી હતી. આ અંગે ફરિયાદ કરવા 12 જાન્યુઆરી 2025એ વકીલ હરકિશનભાઈ જયાણી સમાજના 200 જેટલા આગેવાનો ગયા હતા. તો તેમણે ફરિયાદ લેવાની ના પાડી હતી.
ત્યારબાદ 13 જાન્યુઆરી 2025 ના રોજ સરથાણા પી.આઈ. એમ.બી. ઝાલાને પણ સ્પષ્ટ શબ્દોમાં ઉપરોકત વર્ણવેલી ઘટના કહી હતી. પરંતુ તેમણે પણ કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે હું રેડ પડી ત્યારે રજા પર હતી તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી સ્પષ્ટ થાય છે કે સરથાણા પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓ આમાં સામેલ છે. અને આ રેડમાં તોડ થયો તે બધા જણતા હોવા છતાં મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
હાલમાં ગુજરાતમાં નાના-મોટી મારામારી માટે કે લલિત ડોંડાને હપ્તાની ઉઘરાણી માટે જે વરઘોડા કાઢવામાં આવે છે તે સારી વાત છે. પણ સ્પષ્ટ માનવું છે કે આરના એન્ટરપ્રાઈઝની રેડમાં તોડબાજી કરનાર સામેલ તમામ પોલીસકર્મીઓનુ પણ કાયદા મુજબ સરઘસ નીકળવું જોઈએ. ઉપરની વાત સ્પષ્ટ સાબિત કરવા માટે આરના એન્ટરપ્રાઈઝના આજુબાજુના ગોડાઉનના CCTV ફૂટેજ તથા માલિકોની પૂછપરછ અને સીમાડા કેનાલ રોડ પર નહેરવાળી મેલડીમાં નુ મંદિર છે તેની બાજુમાં સરકારી કેમેરા છે. તેના 11 જાન્યુઆરી 2025ના બપોરના 3 થી રાતના 2 વાગ્યા સુધીના CCTV ફૂટેજ મૂળ આધારભૂત પુરાવો છે. જે કોઈપણ સંજોગોમાં નાશ ન થાય તો ઉપરની બધી હકીકતો સ્પષ્ટ સાબિત થઇ શકે તેમ છે.
આથી ઉપરોક્ત ઘટનાની તલસ્પર્શી તપાસ થાય અને આરના એન્ટરપ્રાઈઝના માલિકોને દબાવવામાં ન આવે તો તમામ આક્ષેપો સબુત સાથે પુરવાર થઇ શકે તેમ છે. આથી તાત્કાલિક ધોરણે આ તોડબાજીમાં સામેલ પોલીસકર્મીઓ સિવાયના પોલીસ અધિકારી દ્વારા સચોટ તપાસ થાય તેવી મારી માંગણી છે. કારણ કે રક્ષક જ જો ભક્ષક બને તો પ્રજા કોના ભરોશે.?