વાપી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઉતારેલા પાર્સલમાંથી 6.30 લાખનો ગુટખાનો જથ્થો મળ્યો
SOG-સ્થાનિક રેલવે પોલીસે બાતમીના આધારે ગુટખાનો જથ્થો જપ્ત કર્યો
જથ્થો ક્યાંથી આવ્યો અને કોને મોકલાયો તે અંગે પોલીસે કોઈ ફોડ પાડ્યો નથી
વાપી, તા.21 જૂન-2023, બુધવાર
વાપી રેલવે સ્ટેશને આજે બુધવારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના પાર્સલ કોચમાંથી ઉતારેલા ૨૫ પાર્સલોમાંથી પ્રતિબંધિત ગુટખાનો જથ્થો આવ્યો હતો. પોલીસે રૂ.૬.૩૦ લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. જથ્થો દિલ્હીથી વાપી મોકલાયો હતો. જો કે પોલીસે જથ્થો કોણે અને કોને મોકલાયો તે અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી.
રેલવે પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ, સ્થાનિક રેલવે પોલીસે મળેલી બાતમીના આધારે આજે બુધવારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના પાર્સલ કોચમાંથી ઉતારેલા ૨૫ થેલામાં (પાર્સલ) તપાસ હાથ ધરી હતી. થેલામાંથી સનકી નામના પ્રતિબંધિત ગુટખાના પેકેટો મળી આવ્યા હતા. સમગ્ર ભારતમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં વગર બ્રાન્ડના ગુટખાનું ઉત્પાદન કરી હેરાફેરી થતી હોવાનું સ્પષ્ટ ફલિત થયું છે. રેલવે પોલીસે રૂ.૬.૩૦ લાખના ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો.
ગુટખાનો જથ્થો દિલ્હીથી વાપી રવાના કરાયો હતો. જથ્થો કોના દ્ધારા અને વાપીમાં કોને મોકલાયો તે તપાસનો વિષય બન્યો છે. પોલીસે હાલ આ બાબતે કોઇ ફોડ પાડ્યો નથી. પણ આ મામલે સઘન તપાસ હાથ ધરાઇ હોવાનું બહાર આવ્યું છે.