ગુજરાત ACBએ એક જ દિવસમાં ત્રણ કેન્દ્રીય કર્મચારીઓને લાખોની લાંચ લેતા ઝડપ્યા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ગુજરાત ACBએ એક જ દિવસમાં ત્રણ કેન્દ્રીય કર્મચારીઓને લાખોની લાંચ લેતા ઝડપ્યા 1 - image


Vapi And Ahmedabad Bribe Case : વાપી સ્થિત પ્રોવિડન્ડ ફંડ કચેરીના આસિટન્ટ કમિશ્નર અને એન્ફોર્સમેન્ટ ઑફિસરને આજે (9 સપ્ટેમ્બર) એલસીબીએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં ચક્ચાર મચી ગઈ હતી. વાપીના બિલ્ડર પાસે કેસની પતાવટ કરવા અને દંડની રકમ ઓછી કરવા બન્ને અધિકારીએ કેબિનમાં વાતચીત કરી 10 લાખ રૂપિયાની રકમ નક્કી કરી હતી. જો કે, બાદમાં બિલ્ડરે સમગ્ર મામલે એસીબીને ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ ઇન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે. જેમાં આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખના લાંચના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત

પી.એફ. કચેરીના અધિકારી લાંચ લેતાં પકડાયા 

મળતી માહિતી મુજબ, વાપી ખાતે રહેતા અને કન્સ્ટ્રકશન કંપની ચલાવતાં બિલ્ડર સામે વર્ષ 2021માં કર્મચારીઓના પીએફ કાપવાની કાર્યવાહી અંગે નોટીસ મળવાની સાથે કેસ પણ કરાયો હતો. જે અંગે બિલ્ડર દ્વારા પી.એફ. કચેરીમાં ફરજ બજાવતાં આસિ. સુપ્રિટેન્ડન્ટ હર્ષદકુમાર પરમાર અને એન્ફોર્સમેન્ટ ઑફિસર સુપ્રભાત રંજન તોમર સાથે વાતચીત કરી હતી. બન્ને અધિકારીએ બિલ્ડરને કેસ ઝડપથી પતાવવા અને દંડની રકમ ઓછી કરવા માટે લાંચની માંગણી કરતાં અંતે 10 લાખ રૂપિયા આપવાના નક્કી કરાયા હતા.

બિલ્ડરે લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરી

બન્ને અધિકારી દ્વારા કરાયેલી લાંચની માંગણીને લઈ બિલ્ડરે ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરતાં એસીબીની ટીમે છટકું ગોઠવી બિલ્ડરને હર્ષદ પરમારની કેબિનમાં મોકલ્યા હતા. આ દરમિયાન હર્ષદ પરમારે સુપ્રભાત તોમરને 5 લાખ રૂપિયા લેવાનું કહીને નાણા સ્વીકાર્યા હતા. એટલામાં એસીબીની ટીમ પહોંચીને બન્નેને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ બન્ને લાંચીયા અધિકારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ભારતમાં મંકીપૉક્સ વાયરસની એન્ટ્રી, શંકાસ્પદ દર્દી પોઝિટિવ હોવાનું સામે આવતા કેન્દ્ર સરકાર એલર્ટ

અમદાવાદમાં ESICના આસિ. ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા પકડાયા

અમદાવાદના ઇન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરી(ESIC)ના ક્લાસ વન અધિકારીને ત્રણ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત મીણા એક બિઝનેસમેનને ESIC તરફથી કર્મચારીઓના વીમાની કપાત (ESI) પેટે રૂપિયા 46 લાખથી વધુની નોટિસ આપવામાં આવી હતી. આ બાબતે કોઈ રકમ બિઝનેસમેનને ભરવાની થતી ન હતી. જેની રજૂઆત કરવા ગયેલા બિઝનેસમેન પાસે કમલકાંત મીણાએ કામની પતાવટ માટે લાંચની માગ કરી હતી અને નોટીસની રકમ 46 લાખથી ઘટાડી બે લાખ કરી આપવા તૈયારી બતાવી હતી. જેની ફરિયાદ બિઝનેસમેને એસીબીમાં કરી હતી. જેથી અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી કમલકાંત મીણાને રૂપિયા ત્રણ લાખની લાંચ સ્વીકારતા ઝડપી લઈ લાંચની રકમ કબજે કરી હતી.

ગુજરાત ACBએ એક જ દિવસમાં ત્રણ કેન્દ્રીય કર્મચારીઓને લાખોની લાંચ લેતા ઝડપ્યા 2 - image


Google NewsGoogle News