સેલવાસની તરૂણીનું અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીને ૨૦ વર્ષની કેદ
સેલવાસમાં તરૂણીનું અપહરણ અને બળાત્કાર કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને રૂ.10 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપી તરૂણીને ભગાડી ગયા બાદ પોલીસે બન્નેને ભાગલપુરથી શોધી કાઢ્યા હતા.
કેસની વિગત એવી છે કે વાપીના લવાછા ગામે રહેતા પરિવારની તરૂણી કામિની (નામ બદલ્યું) ગત તા. 13-6-22 ના રોજ સેલવાસ શાળાએ ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. કામિનીની ભારે શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. જો કે પરિવારને સેલવાસના આમલી ખાતે રહેતો વિષ્ણુ વિજય મંડલ નામનો યુવાન લગ્નની લાલચ આપી કામિનીને ભગાડી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારને મળેલી માહિતીના પરિવારજનો ભાગલપુર પહોંચી કામિનીનો પત્તો લાગ્યો હતો. પરંતુ વિષ્ણુના પરિવારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં સેલવાસ પોલીસ ભાગલપુર પહોંચી કામિની અને આરોપી વિષ્ણુને શોધી કાઢી સેલવાસ લવાયા બાદ વિષ્ણુની ધરપકડ કરી મેડિકલ ચેકઅપ બાદ બળાત્કારની કલમ ઉમેરી હતી.
આ કેસની તપાસ કરનાર પીએસઆઇ છાયા ટંડેલે પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. સેલવાસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ નીપૂણાબેન રાઠોડે પિડીતા, પરિવારજનો સહિત લોકોની જુબાની લઇ પુરાવા સાથે અનેક મુદ્દે દલીલો કરી હતી. કોર્ટના જજ -- એ આરોપી વિષ્૨ણુ મંડળને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. દડની રકમ ભરપાઇ નહી કરે તો વધુ છ મહિના કેદની જોગવાઇ કરાઇ છે.