પારડીના બગવાડામાં ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી 20 તોલા દાગીના ચોરાયા
પારડીના બગવાડા ગામે રહેતા ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી તસ્કરો બુધવારે રાત્રિ દરમિયાન રોકડા રૂ. ૧૫૦૦ અને અંદાજિત ૨૦ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ભાગી છૂટયા હતા. તસ્કરો મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી અંદર ઘુસી ખેલ કરી ગયા હતા. પરિવારજનો ગઈકાલે ગુરૂવારે સવારે નિંદ્રામાંથી જગ્યા ત્યારે બનાવ બહાર આવ્યો હતો. આ બનાવમાં જાણભેદુનો હાથ હોવાની મકાન માલિકે શંકા વ્યકત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પારડીના બગવાડા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા દિનેશ છગનલાલ સોંલકી ગત તા.૫-૬-૨૪ના રોજ સાંજે ઘરે આવ્યા હતા. દિનેશ અને પરિવારજનો રાત્રે ભોજન કર્યા બાદ નિંદ્રામાં પોઢી ગયા હતા. રાત્રિ દરમિયાન મકાનના પાછળના દરવાજાનો નકૂચો તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા. બાદમાં બેડરૂમમાં આવેલા કબાટ ખોલી અંદરથી રોકડા રૂ.૧૫૦૦ અને અંદાજિત ૨૦ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ભાગી ગયા હતા. ગઈકાલે ગુરૂવારે સવારે પરિવારજનો નિંદ્રામાંથી જાગ્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જણાયું હતું.
કબાટમાંથી રોકડ અને કબાટમાંથી ગાયબ થયાનું બહાર આવ્યા બાદ દિનેશ સોલંકીએ પારડી પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસ અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચી એફએસએલની મદદથી તપાસ આદરી હતી. દિનેશ સોલંકીએ આ ચોરીના ગુનામાં જાણભેદુનો હાથ હોવાની શંકા વ્યકત કરી છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધવા તજવીજ આદરી છે.