નાના ભૂલકાઓને જીવનું જોખમ! ઉનાના વાંસોજની સરકારી શાળામાં છતના પોપડા પડ્યા, 6 વિદ્યાર્થીઓને ઈજા
Gir Somnath News : રાજ્યમાં ગીર સોમનાથના ઉનાના વાંસોજની સરકારી શાળામાં છતના પોપડા પડતા 6 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. વિદ્યાર્થી પ્રાર્થના કરવા લોબીમાં બેઠા હતા, આ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બાળકોને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સરકારી શાળામાં છતના પોપડા પડતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
ગીર સોમનાથના ઉનાના વાંસોજની સરકારી શાળામાં છતના પોપડા પડતા વિદ્યાર્થીઓ માથાના ભાગે ઈજા પહોંચી હતી. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ જ્યારે પ્રાર્થનામાં બેઠા હતા ત્યારે ઉપર ફ્લેબમાંથી થોડું પ્લાસ્ટર પડ્યું હતું. જેમાં અમુક છોકરાઓને માથાના ભાગે ટાકા આવ્યા, જ્યારે બીજા બાળકોને થોડું છોલાયું હતું. શાળાનું મરામત કામ ધીમી ગતિએ ચાલે છે અને કામ કરનારા સમયસર આવતા નથી.'
સમગ્ર ઘટનાને પગલે પોલીસ સહિત ઉના તાલુકા વિકાસના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આ મામલે સ્થાનિકે જણાવ્યું હતું કે, 'શાળામાં રિનોવેશન કામ શરૂ છે. બાજુમાં ડિજેના વાયબ્રેશનના કારણે છતના પોપડા પડ્યા હતા. ઘટનાને લઈને તપાસ થશે. અહીં અધિકારીઓ આવી પહોંચ્યા હતા.'