પારડી દુષ્કર્મ-હત્યા કેસ, પોલીસે 4183 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી, વિવિધ રાજ્યોમાં 19 ગંભીર ગુના કર્યાની આરોપીની કબૂલાત
Valsad News : વલસાડના પારડીના મોતીવાડાની યુવતિની હત્યા-દુષ્કર્મની ચકચારી ઘટનામાં પકડાયેલા સિરિયલ કિલર આરોપી વિરૂદ્ધમાં પોલીસે 80 દિવસ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીને કડક સજા થાય તે માટે પુરાવા એકત્રિત કરીને 4183 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આરોપી સામે ગંભીર પ્રકારના 19 ગુના પણ નોંધાયા હતા.
દુષ્કર્મ-હત્યા કરનારો આરોપી પોલીસ પકડમાં
પારડીના મોતીવાડા ગામની યુવતિની નવેમ્બર 2024માં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનામાં યુવતિ સાથે દુષ્કર્મ કરાયા હોવાનું સામે આવ્યું હતું. દુષ્કર્મ અને હત્યાની ચકચારી ઘટનામાં જિલ્લાના અધિકારી સહિત પોલીસ ટીમે આરોપીને પકડવા આકાશ પાતાળ એક કરી દીધા હતા. વાપી રેલવે સ્ટેશન પર લગાવેલા કેમેરામાં શંકાસ્પદ આરોપી કેદ થયા બાદ પોલીસે અનેક રાજ્ય અને જુદા-જુદા રેલવે સ્ટેશન અને જેલોમાં તપાસ આદરી હતી.
આરોપી વિરૂદ્ધમાં 19 ગંભીર પ્રકારના ગુના નોંધાયા
જ્યારે ઘટનાના 11 દિવસમાં વાપી રેલવે સ્ટેશનથી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઝાટ નામના આરોપીને પોલીસે ઝડપી પાડીને ચકચારી ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં આરોપીએ યુવતિ પર દુષ્કર્મ-હત્યા સહિત અન્ય પાંચ હત્યા, લૂંટ અને દુષ્કર્મના ગુનાને પણ 25 દિવસમાં અંજામ આપ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપી સામે અગાઉ જુદા જુદા રાજ્યોમાં 19 ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા. સમગ્ર ઘટના અને આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરી હતી. પોલીસે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સજ્જડ પુરાવા એકત્રિત કરવા કવાયત આદરી હતી.
ગુજરાત સહિત અન્ય રાજ્યો મળીને કુલ 19 જેટલાં ગંભીર ગુનોમાં સંકળાયેલા આરોપી વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે આરોપીના ફોરેન્સિક, સાયન્ટિફિક, મેડિકલ, ટેક્નિકલ તેમજ કાયદાકીય તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરીને 80 દિવસ બાદ કોર્ટમાં 4183 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.