વલસાડના પૂર્વ ભાજપ મંત્રીનું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, વાપી પોલીસે બંદૂક જપ્ત કરી ધરપકડ કરી

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
વલસાડના પૂર્વ ભાજપ મંત્રીનું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, વાપી પોલીસે બંદૂક જપ્ત કરી ધરપકડ કરી 1 - image


Valsad BJP Former Minister Firing Case : વલસાડ જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી અને બિલ્ડરે વાપી હાઈવે પર આવેલા શાંતિ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાં જમીનના વિવાદમાં વાતચીત કરવા આવેલા શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારોને ડરાવવા પોતાની ઓફિસમાં ફલોરિંગ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. આ પછી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા આરોપીની હથિયાર સાથે અટકાયત કરવામાં આવી છે. વર્ષ 2019માં ભાજપના પૂર્વ મંત્રી પાસેથી જમીનની ખરીદી કર્યા પછી જમીન પર લોનનો રૂ.2.49 કરોડનો બોજો હટાવવા માટે શિવશક્તિ ડેવલપર્સે વારંવાર કહેવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓ ઓફિસે પહોંચ્યાં હતા.

ભાજપના પૂર્વ મંત્રીએ પોતાની ઓફિસમાં ફાયરિંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વાપી ખાતે રહેતા બિલ્ડર અને વલસાડ જિલ્લાના ભાજપના પૂર્વ મંત્રી ગિરીરાજસિંહ હિમ્મતસિંહ જાડેજાની વાપી હાઈવે પર શાંતિ કોમ્પ્લેક્ષમાં ઓફિસ આવેલી છે. જ્યારે આજે (12 ઓગસ્ટ) સવારે ગિરીરાજસિંહની ઓફિસ ખાતે શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારો જમીન મામલે વાતચીત કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમણે લગભગ બેથી ત્રણ કલાક સુધી રાહ જોઈ હતી. તેવામાં ગિરીરાજસિંહે કેબિનમાંથી બહાર નીકળીને આડેધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારો ગભરાઈ ગયાં હતા અને ગિરીરાજસિંહે શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

વાપી પોલીસે ત્રણ કારતૂસ જપ્ત કરી ભાજપના પૂર્વ મંત્રીની ધરપકડ કરી

બીજી તરફ, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં વાપી ટાઉનના PI રાઠોડ, ડીવાયએસપી દવે સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરતા લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળેથી અન્ય બે કારતૂસ મળી આવતા પોલીસે ભાજપના પૂર્વ મંત્રી ગિરીરાજસિંહની ધરપકડ કરી હતી. વાપી ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શું હતી આખી ઘટના?

પ્રાથમિક પૂછપરછમાં ગિરીરાજસિંહ જાડેજાએ વર્ષ 2019માં શિવશક્તિ ડેવલપર્સને વાપીના છરવાડા ગામે સર્વે નં.217એ વાળી જમીન રૂ.5.30 કરોડમાં વહેંચી હતી. જ્યારે જમીનમાં રૂ.2.49 કરોડની લોનનો બોજો હોવાથી દસ્તાવેજમાં શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારોના નામની નોંધણી થઈ શકી ન હતી. છેલ્લા 10 મહિનાથી ગિરીરાજસિંહને વારંવાર જમીન પરની લોનનો બોજો હટાવવા માટે કહેવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે શિવશક્તિ ડેવલપર્સના ભાગીદારો ગિરીરાજસિંહની ઓફિસે પહોંચ્યાં હતા.


Google NewsGoogle News