મહારાષ્ટ્રના માથાભારે શખ્સોની હેરાનગતિના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજના આમરણાંત ઉપવાસ
- બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં 3 મહિના અગાઉ રહેવા આવેલા
- લાડુ ઝોપડી માતાજીના વંશજો પર અત્યાચારનો આરોપ : મંદિરના બેનર ફાડયા દાનપેટી તોડી ધમકી આપી : ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પણ પરિણામ નહીં
આણંદ : બોરસદના જંત્રાલ ગામમાં મહારાષ્ટ્રના માથાભારે શખ્સો દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજના લોકો આજે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. પરપ્રાંતીય શખ્સો દ્વારા લાડુ ઝોડપી માતાજીના વંશજોને પરેશાન કરી મંદિરના બેનરો અને દાનપેટી તોડી ધમકી આપતા હોવાના આક્ષેપ કરાયા છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે સમાજે આંદોલનનો માર્ગ અપનાવવો પડયો હતો.
બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાં આજે શરૂ થયેલા આમરણાંત ઉપવાસ અંગે વાલ્મિકી સમાજે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જંત્રાલ ગામમાં લાડુ ઝોપડી માતાજીનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. માતાજીના વંશજો ગામમાં રહે છે પરંતુ, એક ગ્રામજનના ઘરે છેલ્લા ત્રણ મહિનાથી મહારાષ્ટ્રથી રહેવા આવેલા પરપ્રાંતીય શખ્સોએ માતાજીના વંશજો ઉપર અત્યાચાર ગુજાર્યો હોવાનો આક્ષેપ સમાજે કર્યો છે. માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર માટે દાનની અપીલ કરતા બેનરો ફાડી નાખવા સાથે દાનપેટી પણ તોડી નાખી હતી. ઉપરાંત બે દિવસ અગાઉ સમાજના છોકરાઓ ગામથી દૂર મંદિરે દર્શન કરવા ગયા ત્યારે પરપ્રાંતીય શખ્સોએ ઘેરી લઈ મારવાની ધમકી આપી હતી. જેની જાણ થતા ગામના યુવાનો ઘટના સ્થળે દોડી જતાં પરપ્રાંતીય શખ્સો ધમકી આપી ભાગી ગયા હતા. પરપ્રાંતીય શખ્સોની હેરાનગતિના આક્ષેપ સાથે વાલ્મિકી સમાજે જિલ્લા પોલીસ વડા, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ પણ કરી હતી. વીરસદ પોલીસ મથકે કાયદેસર કાર્યવાહી માટે રજૂઆત પણ કરાઈ હતી. છતાં કોઈ ઉકેલ નહીં આવતા માથાભારે શખ્સોની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગામના વાલ્મિકી સમાજના લોકોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.