વડતાલમાં બની રહ્યું છે અક્ષરભુવન, જુઓ સ્વામિનારાયણ ભગવાનના અકલ્પનીય મ્યુઝિયમની ઝાંખી
Vadtal Akshar Bhuvan Museum: વર્ષોથી ગુજરાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રતિક રહ્યું છે. જેમાં વડતાલમાં બનાવવામાં આવેલું અક્ષરભુવન મ્યુઝિયમ ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે એક મહત્ત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનકાળમાં 40 વખત વડતાલ આવ્યા હતા. તેથી, ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓને લાંબા સમય સુધી સાચવવા અને દ્રશ્યમાન રાખવા માટે, મંદિર પ્રશાસને એક વિશાળ સંગ્રહાલય બનાવવાનો નિર્ણય લીધો, જે આધ્યાત્મિક જગતની સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવશે.
મ્યુઝિયમની બનાવટમાં સિમેન્ટ અને લોખંડનો નથી કરાયો ઉપયોગ
આ મ્યુઝિયમની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગમાં ક્યાંય સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સિમેન્ટની જગ્યાએ પ્રાચીન પદ્ધતિથી શાસ્ત્રોક્ત રીતે ગુગળ, ગોળ, હરડે, અડદનો લોટ, રેતી અને પાણીના મિશ્રણને 100 વાર ઘંટીમાં પીસીને તેમાંથી સંપૂર્ણ મ્યુઝિયમ તૈયાર થશે.
ભગવાન સ્વામિનારાયણની 16 ફૂટ ઊંચી મૂર્તિ વિરાજિત થશે
આ મ્યુઝિયમમાં 1209 સ્તંભ, 1525 કમાનો, 1920 ફૂટ લાંબો મંડોવર, 74 ઘુમ્મટ, 23 સામરણ અને 1 મુખ્ય ગુંબજ જેના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાનની 16 ફૂટ ઊંચી પંચધાતૂની મૂર્તિ વિરાજિત થશે અને 24 અવતારને રિપ્રેઝન્ટ કરતાં વિશાળ મ્યુઝિયમ હોલ બનાવાશે. આ ઉપરાંત સ્વાગત કક્ષ (ઈન્ફોર્મેળન ડેસ્ક) સંત આશ્રમ અને હાઈટેક કન્ઝર્વેશન લેબોરેટરી પણ બનાવવામાં આવશે.
સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે
મ્યુઝિયમના લેન્ડસ્કેપિંગમાં કમળની ડિઝાઈનમાં નવધા ભક્તિનાં દર્શન લોકો કરી શકશે. આ કમળની દરેક પાંખડી પર 16-16 ફૂટની પ્યોર બ્રાસની મૂર્તિ અને તેની વચ્ચોવચ સ્વામિનારાયણ ભગવાનની 49 ફૂટ ઊંચી મૂર્તિ મૂકવામાં આવશે. કોલમની વચ્ચે 564 કમાન લગાવ્યા છે. જેમાંથી 400થી વધુ કમાનનું ફિટિંગ થઈ ગયું છે અને બીજા કમાન લગાવવાનું ચાલી રહ્યું છે. આ અક્ષર ભુવનનું કામ આશરે ચાર વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી પ્રબળ શક્યતા છે.
મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી રહેશે અડીખમ
2,85,000 સ્ક્વેર યાર્ડમાં આકાર લઈ રહેલાં અક્ષર ભુવનનું બાંધકામ અસલ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવી રહ્યું છે. આ આખું મ્યુઝિયમ 2 હજાર વર્ષ સુધી અડીખમ રહેશે. આખા મ્યુઝિયમ ફરતે 18 ફૂટની 5 ફૂટ પહોળી ગ્રેનાઈટ તથા સેન્ડ સ્ટોનની દીવાલ બની રહી છે અને દોઢ ફૂટની ઉંડાઈના લાલ પથ્થરની જગતીનું કામ થશે.
અક્ષર ભુવનના બિલ્ડિંગને ભૂકંપની અસર નહીં થાય
જ્યારે પાયાનું કામ પૂર્ણ થયું ત્યારે સ્ટ્રક્ચર તથા જમીનની સ્ટેબિલિટી ચકાસવા માટે 1200 ટનથી વધુ વજન મૂકી જેકથી પ્રેશર ચેક કર્યું હતું. જેમાં પાયો એમને એમ જ રહ્યો હતો તેમાં જરાય અસર થઈ નહોતી. એટલે તેના પરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગમે એવો ભૂકંપનો ઝટકો પણ અક્ષર ભુવનના બિલ્ડિંગને અસર કરશે નહીં.
સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000 વસ્તુઓ રખાશે
આ અક્ષરભુવનમાં ભગવાન સ્વામિનારાયણના જીવનમાં ઉપયોગમાં આવેલી 5000થી વધુ વસ્તુઓ જેવી કે સુવર્ણ પિચકારી, તીર અને ધનુષ, ધરમપુરના રાજમાતા કુશળ કુંવરબાએ આપેલો જરીનો ગૂંથેલો મુગટ, ગાયકવાડ સરકારે અર્પણ કરેલો નવલખો હાર, સ્વામિનારાયણ ભગવનનાં નખ, અસ્થિ, કેશ, ચરણરજ, મોજડી, ખેસ,51 વાટની આરતી, શાલ, સહિતની વસ્તુ લોકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.