Get The App

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 1 - image


ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ યોજવામાં આવશે. જેની તૈયારીઓ પણ ચાલી રહી છે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 2 - image

વિક્રમ સંવત 1881 કારતક સુદ બારસના દિવસે વડતાલમાં શ્રીહરીના સ્વહસ્તે ગર્ભગૃહોમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી મચ્છ, શ્રી કચ્છ, શ્રી નૃસિંહ વગેરે ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા થઈ હતી. જેને આજે સંવત 2081માં કારતક માસમાં 200 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે 9 દિવસ 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે. જેમાં દેશ-વિદેશથી અંદાજિત 25 લાખથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહેશે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 3 - image

દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે

વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવતીકાલથી શરૂ થશે. 800 વીઘા જેટલી વિશાળ જગ્યામાં આ ઐતિહાસિક ઉત્સવ ઉજવવામાં આવશે. હૈદરાબાદથી કુશળ કારીગરો વડતાલ લાવવામાં આવ્યા હતા. જેમના દ્વારા 19210 સ્કવેર ફૂટના મંડપ બનાવવામાં આવ્યો. આ મહોત્સવનું વડાપ્રધાનથી લઈને મંત્રી, ધારાસભ્ય, ફિલ્મ અભિનેતાઓ અને નાનામાં નાના વ્યક્તિઓને હેતથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મહોત્સવમાં વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિભક્તો ભારત આવી રહ્યા છે. જેમાં યુરોપ, ઈસ્ટ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, હોગકોંગ, ઓસ્ટ્રેલિયા, લંડન, ન્યુઝીલેન્ડ, દુબઈ વગેરેનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ આ 9 દિવસના મહોત્સવ દરમિયાન 25 લાખથી વધુ હરિભક્તો ઉમટશે. જે માટેની તમામ તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. 


મોટી સંખ્યા હરિભક્તોમાં સેવામાં જોડાયા

સ્વામિનારાયણ સંપ્રદાયના 500 જેટલા સ્વયંસેવક ભાઈઓ અને બહેનો દ્વારા વિવિધ સેવા કરાઈ રહી છે. મીઠાઈ, ફરસાણ અને વિવિધ અથાણાં બનાવવામાં આવી રહ્યા છે. જયારે વિશાળ મંડપમમાં ગોઠવવામાં આવનાર વિવિધ વાનગીઓને શણગારવા માટે મમરાના 20 હજાર હાર બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત તલના હાર પણ બનાવવામાં આવી રહ્યાં છે. સુરતથી આવેલી 80 જેટલી મહિલાઓ ભારે ભક્તિ ભાવથી આ સેવા બજાવી રહી છે. જોકે, હજારોની સંખ્યામાં વિદેશથી આવેલા હરિભક્તો વડતાલ ધામ આવી પહોંચ્યા છે અને તેઓ પણ સેવામાં લાગી ચૂક્યા છે.

7 નવેમ્બરથી દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, 'તારીખ 7 નવેમ્બર ગુરૂવારના રોજ સવારે 8: 00 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા (કળશયાત્રા) સવારે 10:30 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. જ્યાં 200 ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11:00 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.

  • 7 નવેમ્બરના રોજ સવારે 8:00 કલાકે પોથીયાત્રા-કળશયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થશે.
  • 8 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે.
  • 9 નવેમ્બરના રોજ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12:00 થી 3:00 દરમિયાન મહિલા મંચ યોજાશે. સાંજે 5: 00 કલાકે જપાત્મક અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.
  • 10 નવેમ્બરના રોજ સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક યજ્ઞનો પ્રારંભ સવારે 8:00 કલાકે મંદિર પરિસર ખાતે થશે.
  • 11 નવેમ્બરના રોજ સાંજે 4:00 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખવામાં આવેલું છે.
  • 12 નવેમ્બરના રોજ સવારે 7:00 થી 10:00 વાગ્યા દરમિયાન અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા, જ્યારે સવારે 9:00 થી 12:00 દરમિયાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે. તેમજ બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4:00 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી ભવ્યાતિભવ્ય જળયાત્રા નીકળશે. જે ફક્ત યજમાનો માટે છે. સાથે સાથે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
  • 13 નવેમ્બરના રોજ સવારે 6:00 કલાકે લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10:00 કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે.
  • 14 નવેમ્બરના રોજ સાંજે 5:30 કલાકે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે.
  • 15 નવેમ્બરના રોજ બપોરે 12:00 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. સાંજે 6:00 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 4 - image

દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત તારીખ 7 થી 15 નવેમ્બર દરમિયાન જ્ઞાનજીવનદાસજી (કુંડળધામ) અને નિત્યસ્વરૂપદાસજી(સરધારધામ) તરફથી શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 5 - image

મહોત્સવના મુખ્ય આકર્ષણો

આધુનિક ટેન્ટ સિટી : દેશ-વિદેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા માટે આવેલા દર્શનાર્થીઓને રહેવા માટે અતિ આધુનિક સુવિધા સાથેના 25 હજારથી વધુ ટેન્ટ તૈયાર કરાયા છે. જેમાં AC સુવિધા પણ રાખવામાં આવેલી છે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 6 - image

પ્રદર્શન : દ્વિશતાબ્દી મહોત્સવ સંપાદિત કરેલ 800 વીઘા જમીન પર ઉજવાનાર છે. જેમાં 25 વીઘા જમીન પર વિશાળ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન યોજાનાર છે. જેનો સમય બપોરે 12:00 થી રાત્રીના 10:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. વિશાળ પ્રદર્શનનું પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબુ અને 35 ફૂટ ઉંયુ છે. ઉપરાંત જીવંત કલાકરો ધ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો, આર્ટ ગેલેરીમાં 190 ફૂટ લાંબુ શ્રી ઘનશ્યામ ચરિત્ર અને 114 ફૂટ લાંબુ રામાયણ ચરિત્ર તળપદી ચિત્રશૈલીમાં કંડારાયેલું છે. ઉપરાંત રંગ બેરંગી ફુવારાઓ ભક્તોના મનમોહી લેશે. પ્રદર્શન સ્થળે 685 સ્વયં સેવકો વ્યવસ્થા જાળવશે. સમગ્ર પ્રદર્શન રાજકોટ ગુરૂકુળના દેવકૃષ્ણદાસજી સ્વામીના શિષ્યો વિશ્વસ્વરૂપદાસ સ્વામી, વિવેકસ્વરૂપદાસ સ્વામી તથા બંગાળના 75 કારીગરો અને સ્વયં સેવકો છેલ્લા 3 માસથી પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 7 - image

યજ્ઞશાળા : 15 વીઘાથી વધુ વિશાળ જગ્યામાં યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં 108 કુંડી વિષ્ણુયાગ યોજાનાર છે. આ વિષ્ણુયાગમાં 3500 થી વધુ દંપતિઓ બેસી શકશે.

ભવ્ય ભોજનશાળા : 62,500 ચો.ફૂટ જમીન પર ભવ્ય ભોજનશાળા બાંધવામાં આવ્યો છે. જેમાં વી.આઈ.પી., વી.વી.આઈ.પી. તથા અન્ય ભક્તોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

2 RO પ્લાન્ટ કાર્યરત : મહોત્સવમાં પધારનાર દરેક હરિભક્તોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે બે આર.ઓ.પ્લાન્ટ કાર્યરત કરાયા છે. જેથી દરેકને ઠંડુ અને શુધ્ધ પાણી પુરૂ પાડી શકાય.

વિશાળ સભા મંડપ : હરિભક્તો શાંતિથી કથા શ્રવણ કરી શકે તે માટે 2.10 લાખ ચો.ફૂટનો વિશાળ સભામંડપ તૈયાર કરવામાં આવ્યો છે. જેની પીઠીકા 30 હજાર ચો.ફૂટની રાખવામાં આવેલી છે. આ સભામંડપમાં 25 હજારથી વધુ હરિભક્તો બેસી કથા શ્રવણ કરશે.

વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવ : દેશ-વિદેશથી 25 લાખ હરિભક્તો ઉમટશે, જાણો 9 દિવસનો કાર્યક્રમ 8 - image


Google NewsGoogle News