દ્વિશતાબ્દી મહોત્સવ: ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી
VadralDham Dwishantabdi Mahotsav : ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલની ભૂમિ પરથી શ્રી સ્વામિનારાયણ ભગવાને સર્વ જીવ હિતાવહનો સંદેશ વિશ્વભરમાં આપ્યો હતો. દ્વિશતાબ્દી મહોત્સવમાં શ્રી સ્વામિનરાયણ ભગવાનનો વિશ્વ કલ્યાણનો સંદેશ દુનિયાભરમાં પહોંચે તે માટે ભારત સરકારે ટપાલ ટિકિટ બહાર પાડી છે.
ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની પોસ્ટલ ટિકિટ બહાર પાડી
શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિતે ભારત સરકારે વડતાલના સુવર્ણ મંદિરની પોસ્ટલ ટિકિટ બહાર પાડવામાં આવી છે. જેનું અનાવરણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું. આ પ્રસંગે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈ, કલ્પેશ પરમાર, સંજય મહીડા, રાજેન્દ્રસિંહ ઝાલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને પૂજ્ય સંતો ખૂબ રાજીપો વ્યકત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, આ માત્ર ટપાલ ટિકિટ નથી, પરંતુ શિક્ષાપત્રીના જન્મસ્થાનેથી ભગવાન શ્રી સ્વામિનારાયણે મોકલાવેલ વિશ્વ કલ્યાણનો સંદેશો છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદારને યાદ કરીને કહ્યું કે, 'જો દરેક વ્યક્તિ શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તે તો પોલીસની જરૂર જ ના પડે અને કાયદો વ્યવસ્થા જાળવવી ખૂબ સરળ થઈ જાય.'