વડોદરાની વર્ડ વિઝાર્ડ કંપનીના ચેરમેનને ફેમિલી સાથે મારી નાંખવાની ધમકી,બબ્બે મેલ મળતાં ફરિયાદ
આઇ વીલ ડિસ્ટ્રોય યતિન એન્ડ હિઝ ફેમિલી વેરી સૂન,ઇફ હી ડિડન્ટ રિઝાઇન ફ્રોમ પોઝિશન ઓફ ચેરમેન
વડોદરાઃ વડોદરાના આજવારોડ વિસ્તારમાં આવેલી વર્ડ વિઝાર્ડ કંપનીના ચેરમેનને હોદ્દા પરથી રાજીનામું આપવાનું કહી ફેમિલી સાથે પતાવી દેવાની ધમકી આપતા બે મેલ મળતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
ભાયલી-રાયપુરા રોડ પર સૂરમ્ય બંગ્લોઝમાં રહેતા અને ઇલેક્ટ્રિક વાહનોના સ્પેરપાર્ટ્સ સપ્લાય કરતા વર્ડ વિઝાર્ડ કંપનીના ચેરમેન યતિન ગુપ્તેએ ફરિયાદમાં કહ્યું છે કે, ગઇ તા.૨૫મીએ સાંજે હું કંપનીમાં હતો ત્યારે મારા પર્સનલ મેલ તેમજ કંપનીના મેલ પર ધમકી મળી હતી.
મેલ કરનાર વ્યક્તિએ અંગ્રેજીમાં લખાણ લખ્યું હતું.તેણે કહ્યું હતું કે,જો તમે કંપનીના ચેરમેન પદેથી રાજીનામુ નહિ આપો તો ખૂબ જ જલ્દી તમને પરિવાર સાથે મારી નાંખીશ.મેં મારો પ્લાન શરૃ કરી દીધો છે.કંપનીની હાલની સ્થિતિ જોઇને તમને મારા પ્લાનનો ખ્લાય આવી ગયો હશે.
મેલ કરનારે એમ પણ કહ્યું છે કે,મારો પ્લાન શરૃ થઇ ગયો છે.જો રાજીનામું નહિ આપો તો તમને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે.તેમને કોઇ બચાવશે નહિ.આને મજાકમાં નહિ ગંભીરતાથી લેજો.
ત્યારબાદ તા.૨૭મી જાન્યુઆરીએ ફરીથી આ મેલ મળતાં યતિન ગુપ્તેએ પોલીસ કમિશનરને જાણ કરી હતી.સાયબર સેલે આ અંગે આજે મોડી સાંજે ગુનો નોંધ્યો હતો.