સિક્કીમમાં ફસાયેલા રાણા પરિવારના નવ સભ્યો પરત ફર્યા તૂટેલા રસ્તા, બ્રિજ તેમજ ધોધ અને ખીણ તેમ છતાં અમે હિંમત ના હાર્યા
વડોદરા પરત ફરવાના આગલાં દિવસે જ લાચુંગ હિલ સ્ટેશનમાં એક સપ્તાહ સુધી કુદરતી હોનારત બાદ ફસાયા ઃ પોલીસ, આર્મી, સ્થાનિક લોકોની મદદ મળી
વડોદરા, તા.23 વડોદરાથી સિક્કીમના પ્રવાસે ગયા બાદ ભારે વરસાદના કારણે ફસાઇ ગયેલા વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં રહેતાં રાણા પરિવારના નવ સભ્યો પરત ફર્યા હતાં. સાત દિવસ સુધી ફસાયા બાદ આખરે સ્થાનિક લોકો, આર્મી, પોલીસની મદદથી ૧૫માં દિવસે તમામ ઘેર આવી શક્યા છે.
રાણા પરિવારના સભ્યોને ઘેર પરત ફરવાનો આનંદ હતો સાથે સાથે સ્થાનિક લોકોની મદદના કારણે ત્યાં પરત જવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. રવિશભાઇ રાણાએ જણાવ્યું હતું કે તા.૭ જૂનના રોજ અમે ત્રણ પરિવારના સભ્યો સિક્કીમ ગયા હતાં. શરૃઆતના દિવસોમાં તમામ સભ્યોએ ખૂબ આનંદથી સિક્કીમના કુદરતી સ્થળોની મજા માણી હતી. અમારુ છેલ્લું રોકાણ તા.૧૨ના રોજ લાચુંગ હિલ સ્ટેશન પર હતું અને બીજા દિવસે બપોરે અમારે વડોદરા રિટર્ન થવાનું હતું.
તેમણે ઉમેર્યું હતું કે અમે બપોરે લંચ લીધા બાદ પરત આવવાની તૈયારી કરતા હતા ત્યારે ખબર પડી કે અગાઉથી પડેલા ભારે વરસાદના કારણે અમારે જે રસ્તા પરથી જવાનું હતું તે રસ્તા પરનો બ્રિજ તૂટી ગયો છે અને કેટલાંક સ્થળોએ ભૂસ્ખલનથી રસ્તો બ્લોક થઇ ગયો છે. આ સાથે જ અમારું નીકળવાનું કેન્સલ થયું હતું. ભારે વરસાદ અને ધુમ્મસમાં અમે ફસાયેલા રહ્યા હતાં. છ દિવસ સુધી અમારે લાચુંગમાં રહેવું પડયું હતું.
આ દિવસો દરમિયાન અમે પરિવારનો સંપર્ક વડોદરા નહી કરી શકતાં ચિંતામાં રહેતા હતા પરંતુ સ્થાનિક લોકો, પોલીસ, આર્મી તેમજ તંત્રની મદદથી અમને રહેવા તેમજ જમવા સહિતની કોઇ મુશ્કેલી પડી ન હતી. તમામની મદદથી અમારુ રેસ્કયૂ થયું હતું. તંત્રએ પ્રવાસીઓને બહાર કાઢવા માટે તુરંત જ લાકડાના પુલ તેમજ ટેમ્પરરી રસ્તા બનાવ્યા હતાં. આ રોડ તેમજ બ્રિજ પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ અમો એકબીજાના સહારે તેમજ હિંમત એકઠી કરીને નીકળી શક્યા હતાં.
લાચુંગથી ગંગટોક પહોંચ્યા હતા અને ત્યાંથી ફ્લાઇટ પકડીને ઘેર પરત ફરી શક્યા છીએ. અમે ત્રણ પરિવારના સભ્યો હતા જેમાં કેટલાંક વૃધ્ધો અને ત્રણ વર્ષની એક દીકરી પણ હતી. અમારે ચાલવાનું થયું ત્યારે રસ્તા અને બ્રિજના દોરડા પણ તૂટેલા તેમજ બાજુમાં ઉંડી ખીણ હોય અને નજીકમાં ધોધ પણ વહેતો હતો પરંતુ અમને આર્મીના જવાનો હિમત આપતા હતા અને તેમની મદદથી જ અમે બહાર નીકળી શક્યાં.