વડોદરાના લાલબાગ અને જેતલપુર બ્રિજ એક મહિના માટે વાહનવ્યવહાર માટે બંધ
Vadodara : વડોદરા શહેરના લાલબાગ અને જેતલપુર બ્રિજ તા.17મીથી એક મહિના માટે બંધ કરવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જાહેરનામું બહાર પાડ્યું છે. જ્યારે કોર્પોરેશન દ્વારા બે દિવસ બાદ બ્રિજ પર સરફેસિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તોપથી લાલબાગ બ્રિજ પરથી શ્રેયસ સ્કૂલ તરફ જઈ શકાશે : જેતલપુર બ્રિજ પર બંન્ને બાજુ રસ્તો બંધ રહેશે.
વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં આવેલા બ્રિજ અને ફલાય ઓવર પર માસ્ટિક રિસરફેસિંગ પાછળ રૂ.32 કરોડનો ખર્ચ થનાર છે. હાલમાં સોમા તળાવ બ્રિજ પર રિસરફેસિંગની કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં પુરી થશે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજ અને જેતલપુર બ્રિજ ઉપરથી તમામ પ્રકારના વાહન ચાલકો માટે તા.17 જાન્યુઆરીથી તા.17 ફેબ્રુઆરી સુધી અથવા કામગીરી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેતલપુર બ્રિજ ચકલી સર્કલથી વલ્લભ ચોક સર્કલથી જેતલપુર બ્રિજ ઉપરથી ભીમનાથ નાકા તરફ વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેની સામે વૈકલ્પિક વ્યવસ્થા જેતલપુર બ્રિજ અંડરપાસ અને અલકાપુરી ગરનાળા, દાંડિયા બ્રિજ થઈ વાહનની અવરજવર થઇ શકશે. એ જ પ્રમાણે અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ ઉપર અને લાલબાગ બ્રિજ પરથી ટી પોઈન્ટથી પ્રતાપનગર તરફ જઈ શકાશે નહીં. તેની સામે અવધૂત ફાટકથી માંજલપુર સ્મશાન ચાર રસ્તા, માંજલપુર ગામ સરસ્વતી ચાર રસ્તા તુલસીધામ થઈ તેમજ અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ નીચે મોતીબાગ તોપ સુધી અને મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા થઈ જે તે તરફ જઈ શકાશે. કોર્પોરેશન દ્વારા માસ્ટિંગ રિસરફેસિંગની કામગીરી તા.20 અથવા 21થી શરૂ કરવામાં આવનાર છે ત્યારે લાલબાગ બ્રિજ પર એક તરફનો રસ્તો ચાલુ રહેશે પરંતુ જેતલપુર બ્રિજ પરનો બંન્ને બાજુનો રસ્તો બંધ રહેશે તેમ જાણવા મળે છે.