વડોદરાના ડિજિટલ એરેસ્ટના બનાવોનું થાઇલેન્ડ,દુબઇ અને કંબોડિયા કનેક્શન
વડોદરા શહેરમાં થોડા સમય પહેલાં બનેલા ડિજિટલ એરેસ્ટના જુદાજુદા બે કિસ્સામાં ભોગ બનનાર બંને નિવૃત્ત અધિકારીએ રૃ.૧.૫૯ કરોડ અને રૃ.૧.૨૧ કરોડ ગુમાવ્યા હતા.જે કિસ્સામાં વડોદરા સાયબર સેલને મહત્વની સફળતા હાથ લાગી છે.પોલીસે જે બેન્કોના ખાતામાં રકમ જમા થઇ હતી તેની ડીટેલ મેળવી બેન્ક એકાઉન્ટ ખોલાવનાર તેમજ તેને ઓપરેટ કરનાર સુરતના બે એજન્ટોને ઝડપી પાડયા છે.આ બંને એજન્ટોને કોર્ટે જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.પોલીસ તપાસમાં વડોદરાના ભોગ બનેલા સિનિયર સિટિઝનની રકમ દુબઇ, કંબોડિયા અને થાઇલેન્ડ ટ્રાન્સફર કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો ખૂલી છે.જેથી ડિજિટલ એરેસ્ટનું નેટવર્ક વિદેશથી ઓપરેટ થતું હોવાની આશંકાને સમર્થન મળ્યું છે.
નિવૃત્ત અધિકારીને 1 મહિનો એરેસ્ટ કરી 1.21 કરોડ પડાવ્યા,એક ઝડપાયો
વડોદરામાં રહેતા અને ખાનગી કંપનીના ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત્ત થયેલા વૃધ્ધને સ્ટેટ બેન્કના કસ્ટમર કેરના નામે કોલ આવ્યો હતો અને ક્રેડિટ કાર્ડનો ખોટો નંબર આપી રકમ ભરવા કહેવાયું હતું.જેથી તેમણે ઇનકાર કર્યો હતો.
ઠગોએ કહ્યું હતું કે,તમે સુરેશ અનુરાગ સાથે ૯૦ લાખના ટ્રાન્ઝેક્શન કર્યા છે.જેથી તમને એરેસ્ટ કરવામાં આવશે.તેમને એક મહિના સુધી ટોર્ચર કરીને કુલ રૃ.૧.૨૧ કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.
સાયબર સેલના પીઆઇ બી એન પટેલ અને ટીમે બેન્ક એકાઉન્ટની તપાસ કરી સુરતમાં શ્રમજીવીઓના નામે બેન્ક ખાતા ખોલાવનાર વિવેક મગનભાઇ સોજીત્રા(૩૩ વર્ષ- ધંધો-ટેક્સટાઇલ)ને ઝડપી પાડયો છે.આ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયેલી રકમ દુબઇ, થાઇલેન્ડ અને કંબોડિયા ખાતે પહોંચી હોવાની વિગતો ખૂલતાં પોલીસ ચોંકી છે.કમિશન લઇ બેન્ક ખાતા ખોલાવનાર વિવેકને કોર્ટે જેલમાં મોકલ્યો છે.
વૃધ્ધને 45 દિવસ એરેસ્ટ કરી 1.59 કરોડ ખંખેર્યા,સુરતથી એજન્ટ પકડાયો
આ કિસ્સામાં સાયબર સેલના એસીપી મયૂરસિંહ રાજપૂતે ટીમ બનાવી જે બેન્કમાં રકમ જમા થઇ હતી તેની ડીટેલ મેળવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ મારફતે પણ કેટલીક વિગતો એકત્રિત કરી હતી અને તેને આધારે કમિશન લઇ ઠગો માટે બેન્ક એકાઉન્ટની સવલત કરી આપનાર સુરતમાં ખાનગી નોકરી કરતા મોહંમદ અલશેફ અયુબભાઇ સૈયદ(૨૫ વર્ષ)ની ધરપકડ કરી હતી.આ કિસ્સામાં સુરતની બેન્કમાં જમા થયેલી કેટલીક રકમ ઉપાડી લેવામાં આવી હતી અને કેટલીક રકમ બીજે ટ્રાન્સફર થઇ હોવાથી આ રકમ કોણે ક્યાં અને કેવી રીતે મોકલી છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
વિવેકે 20 અને અલશેફે 5એકાઉન્ટ સપ્લાય કર્યા,બંને ખાતા સામે 6ફરિયાદ
ડિજિટલ એરેસ્ટના બે કિસ્સામાં પકડાયેલા સુરતના બે એજન્ટો પૈકી વિવેક સોજીત્રાએ કુલ ૨૦ થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવી સહ આરોપીઓને વેચી દીધા હોવાની માહિતી મળી છે. આ એકાઉન્ટોમાં કુલ ૧૨ લાખના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને સાયબર સેલને તેની ત્રણ ફરિયાદ પણ મળી છે.જ્યારે,મો.અલશેફે કુલ પાંચ એકાઉન્ટ ખોલાવ્યા હતા અને તેમાં રૃ.૧૫ લાખના ટ્રાન્ઝેક્શન થયા છે.આ ખાતા સામે પણ સાયબર સેલને ત્રણ ફરિયાદો મળી છે.જેથી સાયબર સેલ વધુ તપાસ કરી રહી છે.
બંને એજન્ટ ધોરણ-12 નાપાસ,કોના સંપર્કમાં હતા તેની તપાસ
સાયબર ફ્રોડના મોટાભાગના કિસ્સાઓમાં ઉચ્ચ શિક્ષિતો ભોગ બનતા હોય છે અને તેમાં પકડાતા આરોપી સાવ ઓછું ભણેલા હોય તેમ બનતું હોય છે.સાયબર સેલે ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં પકડેલા બંને કહેવાતા એજન્ટ પણ ધોરણ-૧૨ નાપાસ છે.તેઓ કોના સંપર્કમાં હતા અને કોના કહેવાથી બેન્ક ખાતા ખોલતા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.