ગૌશાળામાં રહેતી ગાયોને 2001 કિલો કેરીના રસનું ભોજન, યુવાનોએ કેરીઓ ખરીદી જાતે રસ કાઢ્યો
Vadodara : ઉનાળાનું આગમન થતા જ આગામી દિવસોમાં લોકોના ભોજનમાં કેરીના રસની બોલબાલા વધશે એ પહેલા વડોદરાની સંસ્થાના સેવાભાવી યુવાનોએ સતત બીજા વર્ષે પાંજરાપોળની ગાયોને કેરીના રસનું ભોજન કરાવ્યું છે.
ગત વર્ષે પણ સંસ્થાએ આ જ રીતે ગાયોને કેરીનો રસ ખવડાવ્યો હતો. આ માટે યોગદિપસિંહ જાડેજા, દિપ પરીખ સહિતના 20 જેટલા યુવાનો છેલ્લા કેટલાક દિવસથી કેરીનો રસ કાઢવા માટે જહેમત ઉઠાવી રહ્યા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે કહ્યું હતું કે, ગૌમાતા કેરીના ગોટલા અને છાલની નહીં બલ્કે કેરીના રસની હકદાર છે. લોકોના ઘર સુધી રસ પહોંચે તે પહેલા ગૌ માતાને રસ ખવડાવવાનો અમે સંકલ્પ લીધો હતો.
તેમણે કહ્યું હતું કે, આ માટે અમે બહારનો રસ નહોતા લાવ્યા પરંતુ 1400 કિલો કેરીઓ બજારમાંથી ખરીદીને 20 યુવાનો દ્વારા તેનો રસ કાઢવામાં આવ્યો હતો. 2001 કિલો રસ કાઢીને આજવા રોડ, સયાજીપુરા ખાતે આવેલી પાંજરાપોળની કયારીઓમાં ભરીને ગાયોને ખવડાવવામાં આવ્યો હતો.
સંસ્થાનું કહેવું છે કે, એક સમય એવો હતો કે, દરેક પરિવારમાંથી ગાયો માટે અલગ ભોજન કાઢવામાં આવતું હતું. આ પ્રથા આપણી સંસ્કૃતિનો એક હિસ્સો હતો. કમનસીબે આ રિવાજ વિસરાઈ રહ્યો છે. લોકોને તે યાદ અપાવવા માટે અમે સતત બીજા વર્ષે કેરીઓના રસનું ભોજન ગાયોને કરાવ્યું છે.