10 રૂપિયાની નોટ પર તાંત્રિક વિધિ કરીને લાખો રૂપિયા અપાવવાની લાલચ આપી મહિલા સાથે ઠગાઈ
Vadodara Fraud Case : વડોદરામાં માંડવી ઘંટિયાળાના નાકા પાસે રહેતા ભારતીબેન મનહરભાઈ ચૌહાણ રાવપુરા જીઇબીની બાજુમાં કાઠીયાવાડી ખડકી રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2024 માં અમદાવાદ ખરીદી કરવા માટે હું સવારે 11:00 વાગે ઘરેથી નીકળી હતી. અમદાવાદથી કપડાં લઈને ચાર વાગે ગીતામંદિર બસ ડેપોમાંથી બસમાં બેસી વડોદરા આવી હતી અને ડેપો બહારથી શટલ રીક્ષામાં ન્યાય મંદિર આવવા નીકળી હતી.
રીક્ષાવાળાએ મારું નામ પૂછતાં મેં મારું નામ જણાવ્યું હતું. ઓટો રીક્ષાવાળાએ પોતાનું નામ મહેશ જણાવ્યું હતું, તેણે મારો મોબાઇલ નંબર માંગતા મેં મારો નંબર આપ્યો હતો. ત્રીજા દિવસે મહેશભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે તમે મારી સાથે મુલાકાત લો હું તમારી જિંદગી બનાવી નાખીશ. એક ભાઈ પાસે રૂ.10 ની ત્રણ આઠ વાળી નોટ છે. તેના પર પૂજા વિધિ કરવાની છે.
ત્યારબાદ અમે એ 10 રૂપિયાની નોટો લઈને ડભોઈ ગામમાં ગયા હતા. ત્યાં એક મહારાજે નોટ પર ગુલાબ મૂકી ચાંદલા કરી અમારી પાસે ત્યાં વિધિ કરવા માટે પૈસા મૂકાવ્યા હતા. જેથી મેં 500, 200, 100 અને 50ના દરની નોટો મૂકી હતી. તે પછી મહારાજે પૂજા વિધિ કરીને આખો થેલો રૂપિયાથી ભરી દીધો હતો અને પોતાની પાસે રાખી લીધો હતો.
મહારાજે એવું કહ્યું હતું કે તમને પૈસા જોઈતા હોય તો તમે બધા અઢી લાખ રૂપિયા લઈને આવજો કેમ કે હજુ વિધિ બાકી છે. ત્યારબાદ ત્રણેય ભેગા મળીને મારી પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.