વડોદરામાં હવા શુધ્ધતા માટે ઇલેકટ્રિક-ગેસ ચિત્તા, ફાઉન્ટેન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર થશે
Vadodara : કેન્દ્ર સરકારના 15 માં નાણાંપંચની ભલામણો અંતર્ગત વડોદરા કોર્પોરેશનને વર્ષ 2024-25 અને 2025-26માં એર ક્વોલિટી ઈમ્પ્રુવમેન્ટની ગ્રાંટ પ્રાપ્ત થઈ છે. તેમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા, ગાર્ડન, આરોગ્ય અને સુવેજ અને ઇલેકટ્રીકલ વિભાગના રૂા.65 કરોડના કામોને મંજૂરી આપવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
દરખાસ્તમાં જણાવ્યું છે કે, 15માં નાણાપંચની યોજના અંતર્ગત સરકાર તરફથી વડોદરા શહેરમાં હવાની શુધ્ધતા વધે તે માટે રૂા.25.96 કરોડ વર્ષ 2024-25 માટે અને રૂા.31 કરોડ વર્ષ 2025-26 માટે ફાળવવામાં આવી છે.
જેને ધ્યાનમાં રાખી રોડ પ્રોજેકટના આઠ કામો માટે રૂા.18 કરોડ. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફાઉન્ટેન લગાવવા માટે રૂા.બે કરોડ, સુવેજ અને ઇલેકટ્રીકલ-મિકેનીકલ વિભાગ દ્વારા પીએમ બસ સેવા અંતર્ગત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા.19 કરોડ, સુરસાગરમાં ફાઉન્ટેન લગાવવા રૂા.1.25 કરોડ અને વોટર સ્પ્રીંન્કલર મશીન માટે રૂા.2 કરોડની રકમ મળી રૂા.22.25 કરોડ પણ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા એર પોલ્યુશન કંટ્રોલ માટે સ્મશાનોમાં ઇલકટ્રીક અને ગેસ ચિત્તા અને ફોગિંગ મશીન પાછળ રૂા.24 કરોડની રકમ ફાળવવામાં આવનાર છે.