વડોદરા શહેર દિવાળીના તહેવારમાં ઝગમગતું હતું અને વોર્ડ નં.12ના અડધા વિસ્તારમાં અંધકાર હતો : ભાજપના કોર્પોરેટરે પીડા ઠાલવી
image : Socialmedia
Vadodara : વડોદરા પાલિકાની સભામાં સત્તા પક્ષ ભાજપના કોર્પોરેટર મનીષ પગારેએ રજૂઆત કરી હતી કે, દિવાળીમાં જ્યારે આખું શહેર ઝગમગતું હતું ત્યારે અમારા વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ચાર-પાંચ દિવસ અંદાજે 50% જેટલા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી.
આ અંગે મેં પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી પરંતુ તહેવાર ટાણે તેઓ પ્રશ્ન હલ ન કરાવી શક્યા. આજ દિન સુધી પણ અમારા વોર્ડમાં હજુ અનેક લાઈટો બંધ હાલતમાં છે. આ અંગે મેં એએઆઈ કક્ષાના અધિકારીને રજૂઆત કરી છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. છેલ્લે અધિકારીને નોટિસ આપી આપણે સંતોષ માણ્યો છે તે કેટલું વ્યાજબી? આજે પણ અમારા વિસ્તારમાં રોજ 10થી 12 જેટલી સ્ટ્રીટ લાઈટ અંગેની ફરિયાદો આવે છે. તેમણે આંકરા શબ્દોમાં એમ પણ કહ્યું કે, એકની એક બાબતની રજૂઆત અધિકારીઓ, ચેરમેન સહિતનાઓને વારંવાર કરવા છતાં કામ થતું નથી તો વિસ્તારમાં જવાનું કેવી રીતે? જે કોર્પોરેટર માટે પણ એક શરમની બાબત છે. પછી એક દિવસ એવો આવશે કે કોર્પોરેટર વધુ પડતી શક્તિ બતાવશે અને તમારાથી નહીં થાય તો અધિકારીની ખેર હું લઈશ. આ પ્રસંગે ભાજપના જ એક કોર્પોરેટરે સૂર પૂરાવતા જણાવ્યું કે, પશ્ચિમ વિસ્તારમાં પણ સ્ટ્રીટ લાઇટની ખૂબ સમસ્યા છે અને એનો હલ થઈ રહ્યો નથી.