ફ્લેટના પાર્કિંગમાં મુકેલા બુલેટને અજાણ્યા યુવકે આગ લગાવી દીધી
Vadodara : વડોદરાના ડભોઇ રોડ પર સોમા તળાવ ચાર રસ્તા પાસે નંદવિહાર ફ્લેટમાં રહેતા યોગેશભાઈ પ્રભાકરભાઇ ચૌધરી સોલરના રૂફટોપ અને સીસીટીવી કેમેરાનો વેપાર કરે છે. તેમની પાસે ત્રણ ટુ-વ્હીલર અને એક ફોરવીલર ગાડી છે જેની દેખરેખ માટે પાર્કિંગમાં બે કેમેરા લગાવ્યા છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેમને ફરીયાદ નોંધાવી જણાવ્યું છે કે બે દિવસ અગાઉ હું મારું બુલેટ લઈને કામથી સિટીમાં ગયો હતો અને ત્યાંથી પરત આવી બુલેટ નીચે પાર્કિંગમાં મૂકી હું મારી કાર લઈને હાલોલ ગયો હતો ત્યાંથી સાંજના સાડા છ વાગે પરત ઘરે આવ્યો અને કાર પાર્કિંગમાં મૂકી ઘરે જતો રહ્યો હતો.
ગઈકાલે સવારે 10:30 વાગે હું મારા વેપાર અર્થે ઓફિસ જવા માટે નીકળ્યો હતો તે સમયે મારા બુલેટને આગ લાગવાથી બળી ગયું હતું. મેં મારા મોબાઈલમાં સીસીટીવી કેમેરાના ફૂટે ચેક કરતા છઠ્ઠી તારીખે મળસ્કે 4:30 વાગે કોઈ અજાણ્યો વ્યક્તિ માટે ટોપી પહેરેલો અને મોઢે રૂમાલ બાંધ્યો હતો તે પ્લાસ્ટિકની થેલીમાં પ્રવાહી ભરીને લાવ્યો હતો થેલીમાંથી પ્રવાહી બુલેટની ટાંકી પર રેડી દિવાસળી ચાપી દીધી હતી. થોડીવાર પછી ફરીથી પ્રવાહી ભરેલી તેની બુલેટ પાસે લઈને આવ્યો હતો તે દરમિયાન બુલેટની ટાંકીમાંથી અકદમ ભડકો થતા ત્યાંથી તે જતો રહ્યો હતો.