Get The App

દેવ ડેમ છલોછલ : ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ખોલાયા : હાલોલ, વાઘોડિયા અને ડભોઈના ગામો એલર્ટ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
દેવ ડેમ છલોછલ : ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ખોલાયા : હાલોલ, વાઘોડિયા અને ડભોઈના ગામો એલર્ટ 1 - image


Dev Dam Vadodara : વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમ સતત પાણીની આવકના કારણે પૂર્ણ સપાટીએ ભરાયો છે. આ બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ ડેમની જળ સપાટી 89.65 મીટરે પહોચી છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા 0.05 મીટર ખોલી 349 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેકટરે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઇ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓને સૂચના આપી છે. વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે. 

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના 11 અને હાલોલ તાલુકાના 06 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. 

દેવ નદીના કાંઠાગાળાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી, વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર,વ્યારા, ગોરજ, અંબાલી, ઘોડાદરા અને ધનખેડા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.


Google NewsGoogle News