વડોદરામાં વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો યથાવત, વોર્ડ નંબર 17 માં ભુવાના કારણે બેરીકેડ લગાવતા ટ્રાફિકની સમસ્યા
Potholes in Vadodara : વડોદરામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને બે વખત વિનાશક પૂર આવ્યા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાનું હજુ ચાલુ જ છે. વોર્ડ નંબર 17માં ગઈ રાત્રે ટ્રાફિકથી વ્યસ્ત રોડ પર મોટો ભુવો પડતા એક બાજુનો રોડ બંધ કરી દેવો પડ્યો છે. ઓએનજીસી-મકરપુરા રોડ પર આ ભુવો ગઈ રાત્રે પડતા ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમ પહોંચી હતી અને બેરીકેડ લગાવી એક બાજુનો હજીરા તરફથી આવતો રોડ ટ્રાફિક વ્યવહાર માટે બંધ કરી દેવો પડ્યો હતો.
ભુવો એટલો વિશાળ છે કે અંદર આખું વાહન ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ છે. બપોરે કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓને પૂછતા જણાવ્યું હતું કે વડોદરામાં 25 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઈનો છે તેમાં ગેસ ટ્રીપ થતા કોરોજન લાગતા ઉપરથી પાણીનું પ્રેશર વધે એટલે લાઈન ડેમેજ થાય છે. જેના લીધે રોડ બેસી જાય છે. આ ભુવો કયા કારણથી થયો તેનું કારણ શોધી અને રીપેરીંગ કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. વોર્ડ નંબર 17 માં અત્યાર સુધીમાં ચાલુ સિઝનમાં ભુવા પડતા રહ્યા છે.