વડોદરાથી પ્રયાગરાજ જતી લક્ઝરી બસને મધ્યપ્રદેશમાં અકસ્માત ઃ ૧૦ ને ઇજા
અકસ્માતના પગલે લક્ઝરી બસના ૫૨ મુસાફરો યાત્રા અધૂરી છોડી વડોદરા પરત આવ્યા
વડોદરા.વડોદરાથી પ્રયાગરાજ જતી દ્વારકેશ ટ્રાવેલ્સની બસને મધ્યપ્રદેશના દેવાશ નજીક અકસ્માત નડયો હતો. જેમાં ચાર થી પાંચ મુસાફરોને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. મુસાફરોએ ટ્રાવેલ્સ એજન્સીની વ્યવસ્થા ખરાબ હોવાનો આક્ષેપ કર્યો છે. છેવટે કંટાળીને બસના મુસાફરો યાત્રા કર્યા વિના જ પરત ફર્યા છે.
પ્રયાગરાજ મહાકુંભ પૂરો થવાને ઓછા દિવસો રહ્યા છે. અત્યારસુધી ૫૧ કરોડથી વધુ લોકોએ પ્રયાગરાજમાં ભક્તોએ સ્નાન કર્યુ છે. હજીય સમગ્ર દેશમાંથી પ્રયાગરાજ તરફ હજારોની સંખ્યામાં લોકો જઇ રહ્યા છે. કેટલીક ટ્રાવેલ એજન્સીઓ દ્વારા પણ ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે. અધૂરી અને અયોગ્ય વ્યવસ્થા વચ્ચે પણ મુસાફરો મજબૂરીવશ પ્રયાગરાજ તરફ જઇ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં થયેલા અકસ્માત અંગે મુસાફરે જણાવ્યું હતું કે, તરસાલી વિસ્તારની દ્વારકેશ ટ્રાવેલ્સ એજન્સીની ચાર બસ ગઇકાલે સવારે વડોદરાથી પ્રયાગરાજ જવા માટે ઉપડી હતી. અમે ગોધરા પહોંચ્યા ત્યારબાદ અમને અન્ય બસમાં બેસાડવામાં આવ્યા હતા. બસમાં સિટિંગ વ્યવસ્થા પણ યોગ્ય નહતી. ત્યારબાદ અમે ઉજ્જૈન ગયા હતા અને ત્યાંથી પ્રયાગરાજ તરફ જવા રવાના થયા હતા. રાતે ૧૧ વાગ્યે મધ્યપ્રદેશના દેવાસ નજીક હાઇવે પર ઉભેલા ટેમ્પોમાં અમારી બસ પાછળથી અથડાતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં સિનિયર સિટિઝન અને ડ્રાઇવર સહિત ૯ થી ૧૦ લોકોને ઓછીવત્તી ઇજા પહોંચી હતી. એક સગર્ભા મહિલાને પણ વાગ્યું હતું. સારવારની કોઇ જ પ્રાથમિક સુવિધા નહતી.
એજન્સી દ્વારા બીજી બસની વ્યવસ્થા કરી આપવાનું જણાવતા અમે ૫૨ મુસાફરો રોડ પર આખી રાત રાહ જોતા ઉભા રહ્યા હતા. વહેલી સવારે પાંચ વાગ્યે બીજી બસ આવી હતી. પરંતુ, આ બસમાં સ્લિપર કોચ નહતો માત્ર બેસવાની જ વ્યવસ્થા હતી. ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકે યોગ્ય વ્યવસ્થા નહીં કરી આપતા છેવટે અમે તમામે પરત વડોદરા આવવાનું નક્કી કર્યુ હતું. ૫૨ પૈકીના ૧૨ મુસાફરો ઉજ્જૈનથી અન્ય વ્યવસ્થા કરી પ્રયાગરાજ જવા રવાના થયા હતા. જ્યારે ૪૦ મુસાફરો પરત વડોદરા આવ્યા હતા.