વડોદરામાં હત્યાની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં બુલડોઝર ફેરવાયું, ગેરકાયદે દબાણો કરાયા દૂર
Vadodara Murder Case : વડોદરાના નાગરવાડા મહેતાવાડી નજીક રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારની બાબર પઠાણે છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં તંગ માહોલ બનેલો છે. તપન પરમાર હત્યા કેસમાં પોલીસે શરૂઆતમાં 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ પર કોર્ટે મોકલ્યા છે. તો ઘટનાને લઈને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે. આજે તેની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો અને ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. ત્યારે હવે વડોદરામાં હત્યાની ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે.
મચ્છીપીઠ-નાગરવાડા રોડ પર બુલડોઝર ફેરવાયું
છેલ્લા ઘણા સમયથી મચ્છીપીઠ રોડ પરના દબાણોને લઇને અનેક વખત ફરીયાદો ઉઠી ચૂકી છે. આ રસ્તા પરના દબાણો દૂર કરવા અંગે અનેક વખત માંગ પણ ઉઠી હતી. ત્યારે હવે તપન પરમારની હત્યા થયા બાદ હવે મનપા અને પોલીસની ટીમ એક્શનમાં મોડમાં આવી છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મુસ્લિમ વસ્તીવાળા મચ્છીપીઠ-નાગરવાડા રોડના લારી-ગલ્લા, કાચા પાકા શેડ, ઓટલા તેમજ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ સાથે પાલિકા દ્વારા તાંદલજા વિસ્તારમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અવારનવાર મચ્છીપીઠ-સલાટવાડા-નાગરવાડા રોડ પરની ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવતી હોય છે. પરંતુ બીજા દિવસથી ફરીથી લારીઓ રાખવાનું શરૂ થઈ જતું હોય છે.
મચ્છીપીઠ વિસ્તારમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો
દબાણ હટાવવાની કામગીરીને લઈને મચ્છીપીઠ વિસ્તારમાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચતા ભારે કુતૂહલ સર્જાયો હતો. દબાણ શાખાની ટીમ જેસીબી, ડમ્પરો સાથે ત્રાટકતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે, કાર્યવાહી સમયે કોઈ અટકચાળો થયો ન હતો. દબાણો દૂર કરવા સામે વેપારીઓએ વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ મનપાએ ગેરકાયદે તમામ દબાણો દૂર કર્યા હતા. જેમાં અંદાજીત સાત ટ્રક ભરીને સામાન પાલિકાની ટીમ દ્વારા દબાણોનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.