વડોદરા એસ ટી ડિવિઝનને દિવાળી ફળી, 7 લાખ લોકોએ મુસાફરી કરી , 4.71 કરોડની આવક
વડોદરાઃ વડોદરા એસ ટી ડિવિઝનને દિવાળી ફળી છે.છેલ્લા દસ દિવસમાં એસ ટી બસની મુસાફરી કરનારા લોકોના કારણે વડોદરા એસ ટી ડિવિઝનને ૪.૭૧ કરોડ રુપિયાની આવક થઈ છે.
સામાન્ય દિવસોમાં વડોદરા એસ ટી ડિવિઝન દ્વારા ૩૦૦ જેટલી બસો વિવિધ રુટ પર દોડાવવામાં આવતી હોય છે.જોકે દિવાળીના તહેવારોમાં થતા ધસારાને ધ્યાનમાં રાખીને એસ ટી ડિવિઝને ૫૦ વધારાની બસો મુકી હતી અને વડોદરાથી વિવિધ ૧૫૦ જેટલા રુટ પર મુસાફરો માટે બસો દોડાવી હતી.
બહારગામ જવા માટેના ધસારાના કારણે એસ ટી ડેપો પર પણ ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.મળતા આંકડા પ્રમાણે તા.૮ થી ૧૯ નવેમ્બર દરમિયાન એસ ટી ડિવિઝનને ૪.૭૧ કરોડ રુપિયાની આવક થઈ છે.સામાન્ય દિવસોમાં એસ ટી ડિવિઝનને ૩૦ લાખ રુપિયાની આસપાસ આવક થતી હોય છે ત્યારે છેલ્લા દસ દિવસમાં રોજ ૪૦ લાખ રુપિયા કરતા વધારે આવક મુસાફરોના ધસારાના કારણે થતી હતી.
મુસાફરોની સંખ્યાની વાત કરવામાં આવે તો આ સમયગાળા સાત લાખ લોકોએ વડોદરા એસ ટી ડિવિઝનની બસોમાં મુસાફરી કરી છે.સામાન્ય સંજોગોમાં રોજ ૬૦૦૦૦ જેટલા મુસાફરો એસ ટી બસોમાં મુસાફરી કરતા હોય છે.
ગત વર્ષે દિવાળીના તહેવારોના દસ દિવસ દરમિયાન ૩.૮૦ કરોડ રુપિયા આવક થઈ હતી અને મુસાફરોની કુલ સંખ્યા ૬.૩૦ લાખ રહી હતી.જોકે આ વર્ષે આવક અને મુસાફરો એમ બંનેમાં વધારો થયો છે.એસટી ડિવિઝનના સૂત્રોનુ કહેવુ છે કે, આવતીકાલ, સોમવારથી લોકોનો ધસારો થોડો ઓછો થશે.આમ છતા તા.૨૮ નવેમ્બર સુધી વેકેશન હોવાના કારણે એસ ટીમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા તો વધારે રહેશે અને જ્યાં સુધી સંખ્યા નહીં ઘટે ત્યાં સુધી વધારાની ૫૦ બસો દોડાવવાનુ ચાલુ રખાશે.