વડોદરામાં જમાઈએ સાસુ પર હુમલો કરી માથામાં પાઇપ ફટકારી
Vadodara : વડોદરાના કિશનવાડી ઝંડા ચોકમાં રહેતા ભગવતીબેન કહાર આજવા રોડ પર કમલા નગર શાકમાર્કેટ પાસે મચ્છીનો વેપાર કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હાલમાં હું તથા મારી દીકરી દીપિકા બાજુ-બાજુમાં બેસીને જ વેપાર કરીએ છીએ. ગત 30 મી તારીખે હું અને મારી દીકરી કમલા નગર શાકમાર્કેટ પાસે હતા તે દરમિયાન મારી દીકરીનો પતિ કાળકા પ્રસાદ કહાર ત્યાં આવ્યો હતો. તેણે મારી દીકરીને કહ્યું કે તું મારી સાથે ઘરે ચાલ પરંતુ મારી દીકરીએ ના પાડી હતી. જેથી જમાઈ મારી દીકરીને ગાળો બોલવા લાગ્યા હતા અને હું તેઓને સમજાવવા જતા તેમને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાજુમાંથી લોખંડની પાઇપ લઈ આવી મારા પર હુમલો કરતા મેં સ્વબચાવ માટે હાથ આડો રાખ્યો હતો જેથી મને જમણા હાથની આંગળી પર ઈજા થઈ હતી. ત્યારબાદ મારા જમાઈ બીજો ફટકો મારા માથાના ભાગે મળતા મને માથામાં ઈજા થઈ હતી. દરમિયાન ટોળું ભેગું થઈ જતાં મારો બચાવ થયો હતો.