Get The App

રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કિંમત નથી, મૃતક કર્મચારીઓના પરિવારજનોના ધરણા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કિંમત નથી, મૃતક કર્મચારીઓના પરિવારજનોના ધરણા 1 - image


Vadodara Fire in Refinery : ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં ધડાકા સાથે લાગેલી આગમાં કોન્ટ્રાક્ટ પરના બે કર્મચારીઓના મોત થયા હતા. તેમના પરિવારજનો આજે વળતર અને ન્યાયની માગ સાથે રિફાઈનરીની બહાર ધરણા પર ઉતર્યા હતા. પરિવારજનોએ રિફાઈનરીના સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

વધું વાંચો : ગુજરાત રિફાઈનરીમાં આગની તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવાઈ, પ્રોડકશન રાબેતા મુજબ ચાલુ

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કર્મચારી ધીમંત મકવાણાના બનેવીએ કહ્યું હતું કે, આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ અમે સાંજથી અહીંયા આવીને બેઠા છે પણ અમને રિફાઈનરી તરફથી કે કોન્ટ્રાકટર તરફથી કોઈ જાતની જાણકારી આપવામાં આવી નથી. રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કોઈ કિંમત નથી. વહેલી સવારે ધીમંતના પત્ની પર ચાર વાગ્યે તેમના મોતની જાણ કરતો ફોન આવ્યો હતો. તેના પહેલા તો કોઈ વાત કરવા માટે તૈયાર નહોતું. કોન્ટ્રાકટરે તો ધીમંતના સગા બોલીએ છે તેવું સાંભળતા જ ફોન કાપી નાંખ્યો હતો. અમને તો એવુ જ હતું કે, ધીમંત ઈજાગ્રસ્ત છે. ધીમંતને પાંચ વર્ષનો દીકરો છે. તેની પત્ની અને માતા પિતા પણ છે. તેમનો સહારો છીનવાઈ ગયો છે.

રિફાઈનરીના અધિકારીઓને માણસના મોતની કિંમત નથી, મૃતક કર્મચારીઓના પરિવારજનોના ધરણા 2 - image

વધું વાંચો : વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે, આસપાસ 1000 કરતાં વધારે કેમિકલ ઉદ્યોગો

મોતને ભેટેલા અન્ય એક કર્મચારી અને કોયલી ગામના રહેવાસી શૈલેષભાઈના માતા અને પત્ની તેમજ પરિવારજનોએ એક કરોડના વળતરની માગ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈને ત્રણ નાના બાળકો છે. તેમના માત અને પત્નીએ કહ્યું હતું કે, સાંજે 6 વાગ્યે તેમને રિફાઈનરીના અધિકારી અને કોન્ટ્રાકટરે અંદર ચા નાસ્તો આપવા માટે મોકલ્યા હતા અને તેઓ પછી પાછા જ ના આવ્યા. અમને અત્યાર સુધી અધિકારીઓ કે કોન્ટ્રાકટર મળવા પણ નથી આવ્યા. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તેમનો મૃતદેહ ઘરે નહીં લઈ જઈએ. બીજી તરફ સ્થળ પર પહોંચેલા વાઘોડિયાના ધારાસભ્યે કહ્યું હતું કે, મૃતક કર્મચારીઓને વળતર અપાવવા માટે રિફાઈનરીના અધિકારીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે.તેઓ 20-20 લાખની સહાય કરવા માટે સંમત થયા છે.



Google NewsGoogle News