ભાજપના નેતાએ વિશ્વામિત્રીમાં દબાણ કરી બંગલો બાંધી દીધો, આ પૂર માનવસર્જિત: અમિત ચાવડા
Vadodara Rain And Flood : ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લામાં તબાહી મચ્યા બાદ અનેક નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા આજે વડોદરાની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી હતી.
આ બેઠક દરમિયાન વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર અંગે નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ બેઠક પછી અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના નેતાએ વિશ્વામિત્રી નદીમાં દબાણ કરી બંગલૉ બાંધી દીધો છે. અગોરા મૉલના નિર્માણમાં પણ વિશ્વામિત્રી નદીમાં દબાણ થયું છે, તેથી વડોદરામાં કુદરતી નહીં પણ સરકાર સર્જિત પૂરની આફત આવી છે.
સરકાર જવાબદારીમાંથી છટકી જાય છે: વિપક્ષ
વડોદરાના વારંવારના પૂર વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘વડોદરામાં વારંવાર પૂર આવે છે અને જાનમાલનું ભારે નુકસાન થાય છે. ત્યારે દર વખતે સરકાર જવાબદારીમાંથી છટકી જાય છે. આ વખતે ભારે વરસાદ અને પુરના કારણે થયેલા વડોદરામાં જાનહાનિ અને મિલકતને ભારે નુકસાન થયું છે, જેના કારણે લોકોમાં રોષ છે.’
આ દરમિયાન વિપક્ષે વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે દબાણનો મુદ્દો પણ છેડ્યો હતો. આ વિશે અમિત ચાવડાએ કહ્યું કે ‘આ કુદરતી આફત નથી, પરંતુ સરકાર સર્જિત પૂર છે. આ આફતના કારણે જિલ્લામાં 13 લોકોના મોત થયા છે. વિશ્વામિત્રી નદીના કિનારે ગેરકાયદે દબાણો કરાયા છે, જ્યારે અનેક સ્થળે બાંધકામોમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરાયું છે.’
આ પણ વાંચો : વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની અંગે સર્વે હાથ ધરાશે
અમિત ચાવડાએ ભાજપના નેતા પર દબાણ કરવાનો કર્યો આક્ષેપ
ગેરકાયદે દબાણોની વાત કરતા વિપક્ષે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા પર ગંભીર આરોપ મૂક્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે ‘ભાજપ નેતા પરાક્રમસિંહ જાડેજાએ વિશ્વવામિત્રી નદીમાં આખો બંગલૉ દબાણ કરીને બનાવ્યો છે. આ ઉપરાંત અહીં કેટલાક બિલ્ડરો દ્વારા અગોરા મોલ સહિતના ગેરકાયદે બાંધકામ કરાયા છે. વિશ્વમિત્રી નદીમાં અનેક દબાણો કરાયા છે, જેનો ભોગ વડોદરાની જનતા બની છે. વડોદરાવાસીઓ ચાર-ચાર દિવસ સુધી પાણીમાં રહ્યા. આમ છતાં તેમની મદદે કોર્પોરેશનનો એકપણ અધિકારી કે પદાધિકારી પહોંચ્યા નહીં.’
આ સાથે વિપક્ષે માંગ કરી છે કે, ‘સરકારે મૃતકોના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય આપવી જોઈએ. વેપારીઓ અને વાહનોને નુકસાન થયું છે, જેનો તુરંત સરવે કરવો જોઈએ અને તે નુકસાન પેટે સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ.’
આ પણ વાંચો : ગુજરાતના આ સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ