વડોદરામાં આજવાના ઉપરવાસ, પ્રતાપપુરામાં સીઝનનો સૌથી વધુ 86 ઈંચ વરસાદ નોંધાયો
Vadodara Rain Upadte : વડોદરામાં ગઈકાલે બુધવારની મોડી સાંજે વાવાઝોડા સાથે તોફાની વરસાદ ત્રણ ઇંચ જેટલો ત્રાટક્યો હતો. વડોદરામાં સીઝનનો કુલ વરસાદ આશરે 65 ઇંચ જેટલો થવા જાય છે. વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર વિસ્તારમાં પણ ગઈકાલે સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આજવામાં મોસમનો કુલ વરસાદ પણ 70 ઇંચ થયો છે. જોકે મોસમનો સૌથી વધું વરસાદ આજવાના ઉપરવાસ પ્રતાપપુરા સરોવર વિસ્તારમાં નોંધાયો છે. પ્રતાપપુરામાં ગઈકાલે 16 મીમી વરસાદ પડતા અત્યાર સુધીમાં કુલ 86 ઈંચ વરસાદ થયો છે.
આજવાના ઉપરવાસ ધનસર વાવ ખાતે ગઈકાલે 18મીમી વરસાદ નોંધાતા સીઝનનો કુલ વરસાદ 71 ઇંચ થયો છે. જ્યારે હાલોલમાં ગઈકાલે 12 મીમી વરસાદ પડતા અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 67 ઇંચ થયો છે. પ્રતાપપુરા સરોવરમાં ગઈકાલે પાણીનું લેવલ 227 ફૂટ થઈ જતા ગેટ ખોલતા પાણી વિશ્વામિત્રીમાં વહેવું શરૂ થયું હતું. આજે સવારે પ્રતાપપુરાનું લેવલ ઘટીને 224.45 ફૂટ હતું. ગયા મહિને ભારે વરસાદ થતાં આજવા સરોવરમાં પાણીનું લેવલ ખૂબ વધી જતા ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા. છેવટે આજવા સરોવરનું લેવલ ઘટતું ઘટતું 211 ફૂટ થઈ ગયું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલના કારણે લેવલ થોડું વધ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજવામાં આજે લેવલ.10 વધીને 211.35 ફૂટ નોંધાયું હતું. આજવા ના ગેટ હાલ બંધ છે. હવે પાણી 213 ફૂટની આસપાસ ભરી શકાશે તેમ જાણવા મળ્યું છે. બીજી બાજુ વિશ્વામિત્રી નદીનું લેવલ પણ ગઈ મોડી સાંજના વરસાદથી વધ્યું છે. આજે બપોરે લેવલ 210.50 ફૂટ હતું.
આ પણ વાંચો : વડોદરામાં વાવાઝોડાએ તબાહી મચાવી! 300થી વધુ વૃક્ષો ધરાશાયી, એક વ્યક્તિનું મોત, અનેક વાહનો અને પશુ દબાયા