ચોર ટોળકીની અફવાઓથી સાવધાન રહો, કાયદો હાથમાં ન લોઃ વડોદરા પોલીસ કમિશનર નરસિંમ્હા કોમરની અપીલ
Vadodara Police : વડોદરા શહેરમાં એક બાજુ ચોર લૂંટારો ટોળકી સક્રિય બની છે ત્યારે બીજી બાજુ પોલીસ કમિશનર અને તેમની ટીમ વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને અફવાથી ગેરમાર્ગે દોરાવવું નહીં અને આવી કોઈ ચોર ટોળકીની જાણકારી મળે તો તુરંત જ પોલીસ કંટ્રોલને જાણ કરવા અને આવી કોઈ ટોળકી પકડાય તો લોક ટોળાએ કાયદો હાથમાં લેવાની બદલે પોલીસને જાણ કરવા સલાહ સૂચન આપી રહ્યા છે.
વડોદરા શહેર જિલ્લામાં ચોર ટોળકીઓને કારણે લોકો ખુદ હવે રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને દહેશતના માહોલ વચ્ચે જીવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા ચોર ટોળકીની જાણકારી મળે તો અને કોઈ ચોરને પકડ્યો હોય તો લોકોએ કાયદો હાથમાં નહીં લેવા અને પોલીસને તાત્કાલિક જાણ કરવા વિવિધ વિસ્તારોમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને તેમની ટીમ ફૂટ પેટ્રોલિંગ કરીને સમજ આપી રહી છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, પન્નાબેન મોમાયા તેમજ ડીસીબી પીસીબી કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ગઈકાલે રાત્રિ દરમિયાન મન્સૂરી કબ્રસ્તાન વિસ્તારમાં મુલાકાત લીધી હતી અને ફુટ પેટ્રોલિંગ કરીને સમગ્ર ટીમ આ વિસ્તારના સ્થાનિક રહીશોને જાગૃત કર્યા હતા કે શહેર જિલ્લામાં 5000થી વધુ ચોર ટોળકીના સભ્યો આવ્યા છે તેવા સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજોને કારણે કોઈએ ગેરમાર્ગે દોરાવવું નહીં. વડોદરા પોલીસ ચોરી લૂંટ અછોડા તોડ કે અન્ય ચીલ ઝડપના બનાવો અંગે સતર્ક છે અને કોઈ ચોર પકડાય તો કાયદો હાથમાં નહીં લઈ પોલીસને જાણ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ટોળાએ ચોર સમજી બે યુવકોને ફટકાર્યા, એક યુવકનું મોત થતા હોબાળો
પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે મન્સૂરી કબ્રસ્તાન વિસ્તારમાં સ્થાનિક રહીશોને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકોએ કાયદો હાથમાં લેવાને બદલે કોઈ ચોર ટોળકીના સભ્યો પકડાય તો તેને માર મારવાને બદલે પોલીસને તાત્કાલિક જાણ કરવા વિનંતી છે.
તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફરતા થયેલા મેસેજ ઉપર વિશ્વાસ નહીં રાખી અફવા સાચી માની ગેરમાર્ગે દોરાવવું નહીં અને કોઈએ બહાર આવવાની જરૂર નથી. પરપ્રાંતમાંથી આવતા લોકોની જાણકારી પણ પોલીસ મેળવતી હોય છે અને ઇન્ટર્નલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનો ઉપયોગ કરી પરપ્રાંતમાં કોઈ વ્યક્તિ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તેની જાણકારી પણ મેળવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ચોર હોય કે અછોડા તોડ કે લૂંટફાટ કરનારા હોય તેવા ગુનેગારોને પોલીસ પકડે છે. લોકોની સુરક્ષા સલામતી માટે પોલીસ ફરજ બજાવે છે જેથી પોલીસને સાથ સહકાર આપવા વિનંતી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય લોકોની સલામતી સુરક્ષા રહે તે માટે દિવાળીમાં ખરીદ થતી મોંઘી ચીજ વસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓ સાથે પણ જરૂરી સુરક્ષા રાખવા બેઠક યોજી હતી. સાથે-સાથે રાત્રિ સમયે પરપ્રાંતમાંથી મજૂરી માટે નોકરી માટે આવનારા દરેક ગુનેગાર હોતા નથી આવવા પર પ્રાંતના રહીશોની પણ પોલીસ તપાસ કરે છે.
પોલીસ કમિશનર તેમજ તેમની ટીમે ગોરવા વિસ્તારમાં પણ ચોર ટોળકી સક્રિય બની હોવાની જાણકારીને ધ્યાનમાં રાખી સ્થાનિક રહીશો સાથે સંવાદ કર્યો હતો અને તેમાં પણ લોકો કાયદો હાથમાં લે નહીં તેવી સલાહ આપવામાં આવી હતી. તેમજ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો તાત્કાલિક 100 નંબર કે 112 નંબર પર પોલીસ કંટ્રોલને જાણ કરવા પણ પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કરી છે.